કચ્છના મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર ગંભીર અકસ્માત: એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવકના મોત
કચ્છમાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવાનોના સ્થળે મોત થયા છે. આ અકસ્માત એટલો ભયનાક હતો કે ત્રણેય યુવકો કન્ટેનર નીચે કચડાઈ ગયા હતા. જેથી ત્રણેયના મોત થયા છે. માહિતી અનુસાર આ કન્ટેનર લોક ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા ધોરીમાર્ગ ઉપર પુરપાટ ઝડપે જઈ રહેલુ એક ટ્રેલર અચાનક બેકાબુ બની જતા તેના પર રહેલું કન્ટેનર ફંગોળાઈને બાજુમાંથી પસાર થતી એક્ટિવા પર પડ્યું હતું. જે અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ આશાસ્પદ યુવાનો તેની નીચે દબાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, ત્રણેયના મોત થયા છે. મૃતદેહોને અંજાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે અંજાર પોલીસે હોસ્પિટલમાં મૃતકોના નામ મેળવવાની કામગીરી હાથ ધરી છે.