કચ્છના ગંભીર ગુનાના વોન્ટેડ જાહેર કરાયેલા નવ આરોપીની માહિતી આપનારને મળશે ઈનામ
છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનો ભારે આતંક સામે આવ્યો છે. જેને પગલે રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. એવામાં કચ્છ પોલીસ દ્વારા એક જાહેર અપીલ કરવામાં આવી છે જેમાં ફરાર થઈ ગયેલા આરોપીઓને મોસ્ટ વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પેરોલ-ફર્લો સ્કોડ દ્વારા ફરાર આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. ફરાર થયેલા આરોપીઓને ઝડપવા માટે જાહેર સ્થળો (બસ સ્ટોપ, રેલવે સ્ટેશન, વાહનો પાછળ) પર વોન્ટેડ આરોપીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેમજ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ ફરાર આરોપી વિશે માહિતી હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પેરોલ-ફર્લો સ્કોડનો સંપર્ક કરવો. આ અંગે પોલીસ દ્વારા આરોપીઓની માહિતી આપવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યા છે જેના થકી વોન્ટેડ જાહેર કરાયેલ આરોપી વિશે માહિતી આપી શકાશે.
આરોપી અંગે સચોટ માહિતી આપવા માટે પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ - ભુજ મો.નં.:- 96386 98949 તેમજ ભુજ પોલીસ કંટ્રોલ રૂૂમ નંબર:- 9889884284માં સંપર્ક કરવા જણાવ્યું છે.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, માહિતી આપનારનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે તેમજ યોગ્ય માહિતી આપનારને રુપિયા 5000નું રોકડનું ઈનામ આપવામાં આવશે. પશ્ચિમ કચ્છ પોલીસે વોન્ટેડ જાહેર કરેલ યાદીમાં 9 આરોપીઓના નામ છે. આ આરોપીઓ મુખ્યત્વે હત્યા, ઘરેલુ હિંસા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા. તેમાંથી કેટલાક આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે તેમ છતાં આ આરોપીઓ રજાની વચગાળામાં ફરાર થઈ ગયા હતા. આ નાસી છુટેલા આરોપીમાંથી કેટલાક બે વર્ષથી ફરાર છે તો કોઈક 11 વર્ષથી ફરાર છે. જેને પગલે, તેમને વહેલામાં વહેલી તકે ઝડપી પાડવા પોલીસ દ્વારા લોકોને જાહેર કરવામાં આવી છે.