કચ્છના દયાપરમાં ધો.9ના છાત્રને ધમકાવી વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
વીડિયો વાઇરલ કરવાની ધમકી અપાઇ: મામલો પોલીસ સુધી પહોંચ્યો, આરોપીને પકડવા તજવીજ
છેવાડાના લખપત તાલુકાના દયાપર ખાતે ધોરણ નવના વિદ્યાર્થી સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હોવાનું ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાથે અભ્યાસ કરતા મિત્રએ આરોપી સાથે મુલાકાત કરાવી હતી, જે બાદ આરોપી પોતાની કારમાં લઇ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો ઉતારી લીધો હતો. અને આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર શોષણ કરતા અંતે મામલો સામે આવ્યો છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ દયાપરના ધોરણ નવમાં અભ્યાસ કરતા 14 વર્ષીય કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ ગત નવેમ્બર મહિનામાં સ્કુલના દિવાળી વેકેશન દરમિયાન બન્યો હતો.
ભોગ બનનાર કિશોરને દયાપરથી મોરગર જતા વાડી વિસ્તારના રસ્તા પર તેની સાથે અભ્યાસ કરતા મિત્રએ આરોપી સાથે મુલાકાત કરાવી હતી. જે બાદ આરોપી કિશોરને પોતાની કારમાં લઇ ગયો હતો અને તેને ધાક ધમકી કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. અને વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. બનાવના ચાર દિવસ બાદ ફરી સાથે અભ્યાસ કરતો મિત્ર ભોગ બનનારને બોલાવી આરોપીના ઘરે લઇ ગયો અને ત્યાં પણ કુકર્મ આચર્યું હતું. જેના બે દિવસ બાદ પણ એજ રીતે શોષણ કરાયું હતું. ગત 27 જાન્યુઆરીના ભોગ બનનાર હોસ્ટેલમાંથી ઘરે આવ્યો ત્યારે ગુમસુમ થઇને રહેતો હતો.
દરમિયાન ગત સોમવારે સહ પાઠક તેને ફરીથી બોલાવવા માટે આવ્યો ત્યારે સહનશક્તિ ખૂટી જતા સમગ્ર ઘટના બાબતે પોતાના પિતાને વાત કરી હતી. જે બાદ પરિવારજનો ભોગ બનનાર કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. દયાપર પીઆઇ વી.વી.ભોલાએ જણાવ્યું હતું કે, બનાવ ધ્યાનમાં આવ્યો છે. પોલીસે હાલ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.