રણોત્સવનું ટેન્ડર હાઇકોર્ટે કર્યું રદ, આયોજન જોખમમાં
ટેન્ટસિટી માટે પ્રવેગ કંપનીએ ફાળવેલુ ટેન્ડર અયોગ્ય ઠર્યુ: કોર્ટ સરકાર અને ટરિઝમ ડિપાર્ટમેન્ટને ઝાટકયા
કચ્છમાં રણોત્સવમાં ટેન્ટ સિટી માટે પ્રવેગ નામની કંપનીને ફાળવેલું ટેન્ડર અયોગ્ય ઠરાવી હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યું છે. આ મામલે મેસર્સ લલ્લુજી એન્ડ સન્સ દ્વારા ટેન્ડરની પ્રક્રિયાને પડકારતી રિટ પિટિશન કરવામાં આવી હતી. જે રિટને હાઇકોર્ટના જસ્ટિસ એ. એસ. સુપૈયા અને જસ્ટિસ મૌનાબહેન ભટ્ટની ખંડપીઠે સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખતાં ગુરુવારે ખુલ્લી અદાલતમાં ઉક્ત ચુકાદો આપ્યો હતો.
આ ચુકાદા બાદ પ્રતિવાદીઓ તરફથી સ્ટેની માગ કરવામાં આવી હતી, જેને પણ રદ કરી દેવાઇ હતી. પ્રસ્તુત મામલે જૂના કોન્ટ્રાક્ટર મેસર્સ લલ્લુજી દ્વારા ગુજરાત ટુરિઝમ દ્વારા અમદાવાદની પ્રવેગ કંપનીની ભૂલ હોવા છતાં ટેન્ટ સિટીનું ટેન્ડર આપવાના નિર્ણયને પડકાર્યો હતો.
આ કેસની હકીકત મુજબ કચ્છ ખાતે રણોત્સવની સાઈટ ઉપર ઊભી કરવામાં આવેલી કાયમી ટેન્ટ સિટીના ટેન્ડરનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. આ વખતે વર્ષો જૂના કોન્ટ્રાક્ટર મેસર્સ લલ્લુજી એન્ડ સન્સને બદલે ટેન્ડર અમદાવાદની પ્રવેગ નામની કંપનીને મળ્યું હતું. બંને કંપની વચ્ચે રૂપિયા 17 કરોડની રકમનો તફાવત હોવાના કારણે ક-1 તરીકે પ્રવેગ કંપની હતી, જ્યારે ક-2માં જૂના કોન્ટ્રાક્ટર લલ્લુજી એન્ડ સન્સ હતા. દરમિયાન કોન્ટ્રાક્ટર લલ્લુજી એન્ડ સન્સને ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ફાઈનાન્શિયલ બીડ અંગે રજૂ કરાયેલા બે બિડાણોમાં તફાવત હોવાનું જાણવા મળ્યું હતું. તેથી લલ્લુજી એન્ડ સન્સ દ્વારા આ અંગે ગુજરાત સરકારની પ્રવાસન વિભાગ અંતગર્ત આવતી અને ટેન્ડર પ્રક્રિયા સંભાળતા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (ટીસીજીએલ) ને 14મી ઓગસ્ટના રોજ રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે ઓથોરિટીને મળેલી રજૂઆતને પગલે તે જ દિવસે ગણતરીના કલાકોમાં ટીસીજીએલ દ્વારા પ્રવેગને જરૂૂરી સુધારો કરીને બંને બિડાણો ફરીથી રજૂ કરવા માટે એ રાત્રે જ ઈ મેઇલ કરવામાં આવ્યો હતો.
ઉક્ત સંજોગોને ધ્યાનમાં લઇ ટેન્ટ સિટીના જૂના કોન્ટ્રાક્ટર મેસર્સ લલ્લુજી દ્વારા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (ટીસીજીએલ)એ ટેન્ડરમાં વિસંગતતા હોવા છતાં અમદાવાદની પ્રવેગ નામની કંપનીને ટેન્ડર આપવાના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં ગુરુવારે હાઇકોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું હતું કે, પ્રવેગ દ્વારા નિષ્પક્ષ અને પારદર્શી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હોય એવું જણાતું નથી. ઊલટાનું ફાઈનાન્શિયલ બીડ ફરીથી સબમિટ કરવાનું જે વલણ અપનાવ્યું હતું એ પારદર્શિતાનો ભંગ હતો. ઉક્ત સંજોગોને ધ્યાનમાં લેતાં અરજદારની દલીલોમાં મેરિટ જણાય છે અને પ્રવેગ કંપનીને આપવામાં આવેલા ટેન્ડરને અયોગ્ય ઠરાવવામાં આવે છે.