સૌરાષ્ટ્ર-કચ્છમાં એક વર્ષમાં 271 કરોડની પાવર ચોરી ઝડપાઇ
4,74,347 વીજ જોડાણની ચકાસણીમાં 63,198માં ગેરરીતિ ઝડપાઇ: 5 ગ્રાહકોને 1 કરોડથી વધુ બિલ આપવામાં આવ્યું, વીજ ગ્રાહકોને સોલાર લગાડવા અપીલ
અધિક પોલીસ મહાનિર્દેશક રાજકુમાર પાંડિયન તેમજ પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેક્ટર શ્રીમતી પ્રીતિ શર્મા મેડમના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા છેલ્લા એક નાણાંકીય વર્ષમાં વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન આશરે રૂૂ. 271.01 કરોડ ની પાવર ચોરી પકડી પાડવામાં આવેલ.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. હેઠળની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. કંપની હેઠળ તેના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડી શકાય તે હેતુથી છેલ્લા બાર માસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગની સઘન કામગીરી કરી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર હેઠળ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરશ્રીઓ અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરશ્રીઓની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ એપ્રિલ-2024 થી માર્ચ-2025 દરમ્યાન કુલ 4,74,347 વીજ જોડાણો ચેક કરવામાં આવેલ જેમાંથી કુલ 63,198 વીજ જોડાણોમાં વીજ ચોરીના પુરવણી બીલો આપવામાં આવેલ જેની અંદાજીત રકમ રૂૂ. 271.01 કરોડ થવા પામેલ છે.
વર્ષ દરમિયાન પાવરચોરીનું રૂૂ. 1 કરોડથી વધુ રકમનું બિલ આપવામાં આવ્યું હોય તેવા ગ્રાહકો જેમ કે (1) ભચાઉ તાલુકાના માનફરા ગામના સિલિકા મેન્યુફેક્ચરિંગ યુનિટના વીજજોડાણમાં મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા માલૂમ પડતાં રૂૂ. 1.65 કરોડનું (2) ટંકારા તાલુકાના વાઘગઢ ગામમાં ઓઈલ ઇન્ડ.ના ઔદ્યોગિક હેતુના યુનિટમાં ટર્મિનલ સીલ સાથે ચેડાં કરી વીજચોરી થયાનું માલૂમ પડતાં રૂૂ. 1.16 કરોડનું (3) કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામના એન્જિનિયરીંગ વર્ક્સ યુનિટમાં મેગ્નેટનો ઉપયોગ કરીને વીજચોરી થતી હોવાનું માલૂમ પડતાં રૂૂ. 1.15 કરોડનું (4) ગોંડલ તાલુકાના શેમળા ગામમાં સ્પિનિંગ મિલનું મીટર શંકાસ્પદ જણાતાં લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાતાં મીટર ધીમું ફરતું હોવાનું માલૂમ પડતાં રૂૂ. 2.41 કરોડનું તેમજ (5) વાંકાનેર તાલુકાના લક્કડધાર ગામના ટાઈલ્સના યુનિટમાં મીટર ધીમું ફરતું હોવાનું માલૂમ પડતાં રૂૂ. 2.13 કરોડનું પૂરવણી બિલ આપવામાં આવ્યું હતું.
પીજીવીસીએલ દ્વારા આ સઘન ઝુંબેશ આગામી વર્ષ 2025-26 દરમિયાન પણ ચાલુ રાખવામાં આવશે .
જો કોઈ સ્થળે વીજચોરી થતી હોવાની જાણ થાય તો જાગૃત નાગરીકો આ માટેના ખાસ મોબાઈલ નંબર 9925214022 ઉપર પોતાની ફરિયાદ લખાવી શકે છે. એટલું જ નહિ પીજીવીસીએલની વેબસાઈટwww.pgvcl.comમારફતે પણ આ અંગેની ફરિયાદ મોકલી શકે છે. ઉલ્લેખનીય છે કે માહિતી આપનારનું નામ તેમજ અન્ય વિગતો તદ્દન ગુપ્ત રાખવામાં આવતી હોય છે.
વિવિધ ટીમો દ્વારા એપ્રિલ-2024 થી માર્ચ-2025 માસ દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકિંગ દરમ્યાન કુલ 4.74,347 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવેલ જેમાંથી કુલ 63,198 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી અને અંદાજે રૂૂ. 271.01 કરોડના પુરવણી બીલો આપવામાં આવેલ. જેનો અહેવાલ આ સાથે સામેલ છે.