કચ્છના રાપર અને ગાગોદરમાં જીરુ-એરંડા સાથે ખેતરોમાંથી પોશડોડાની ખેતી ઝડપાઇ
5ૂર્વ કચ્છ પોલીસ દ્વારા અવારનવાર ગાંજો, અફીણ, ડ્રગ્સ સહિતના માદક પદાર્થ ઝડપી લેવામાં આવે છે. ત્યારે વાગડમાં પ્રથમ વખત રાપર પોલીસે ગેડી ગામેથી પોશડોડાની ખેતી ઝડપી પાડી છે. એરંડા- જીરૂૂના પાકની આડમાં માદક પદાર્થની ખેતી કરવામાં આવતી અને તેનું સ્થાનીકે વેચાણ કરવામાં આવતું હોવાનું સપાટી પર આવ્યું છે. નવાઈની વાત એ છે કે રાપર પોલીસ જ્યારે ખેતરમાં દરોડો પાડી પોશડોડા ઉખેડી રહી હતી ત્યારે નજીકમાં જ ગાગોદર પોલીસની હદમાં પણ પોશડોડાની ખેતી થતી હોવાની બાતમી મળતા રાપર અને ગાગોદર પોલીસે સાથે મળી કુલ 3.41 લાખનો પોશડોડાનો જથ્થો ઝડપી લીધો હતો. આ દરોડામાં 1 આરોપી હાથમાં આવી ગયો હતો જ્યારે 2 આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા ન હતા.
મળતી વિગતો મુજબ રાપર તાલુકાના ગેડી ગામે રહેતા પરબત પાંચાભાઈ સીંધવ (રજપુત) એ પોતાના ઘરે વેચાણ માટે પોશડોડાનો જથ્થો રાખ્યો હોવાની બાતમી આધારે રાપર પીઆઈ જે. બી. બુબડીયા અને તેમનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પરબતના ઘરે દરોડો પાડતા પોશડોડા મળી આવ્યો હતો. અહીંથી 60,440 નો પોશડોડાનો જથ્થો કબજે કરાયો હતો. બાદમાં પુછપરછ કરતા તેણે કબુલાત આપી કે, ગેડી ગામે શંભુજી વાઘેલાની ખેતીની જમીન સારંગીયા નામથી આવેલી છે. જે પૈકી અમુક જથ્થો ગામના વિશા મહાદેવાભાઈ રાઠોડ (રજપુત)ને આપ્યો હતો. જેથી વિશાના ઘરે દરોડો પાડવામાં આવ્યો ત્યાંથી 17.80 કિલો માદક પદાર્થ કબજે કરવામાં આવ્યું હતું. બાદમાં ખેતરમાં દરોડો પાડયો હતો.
મધરાત્રે બે વાગ્યે પોલીસ ટુકડી ખેતરમાં પહોંચી હતી.સવારે ચાર વાગ્યા સુધી ચાલેલી કાર્યવાહીના અંતે પોલીસે પોશડોડા, વનસ્પતિ જન્ય પાંદડા અને ડાળખા વગેરે મળી 2,87,520 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પરબત પાંચા સીંધવની ધરપકડ કરાઈ હતી, જયારે વિશા મહાદેવા રાઠોડ હાજર મળી આવ્યો ન હતો. આ કાર્યવાહી દરમિયાન જ રાપર પોલીસને ફરી બાતમી મળી હતી કે,જે બાતમીના આધારે ગાગોદર પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં આરોપી હાજર મળ્યો ન હતો પરંતુ રૂૂ. 54,000ના કિમતનો 18 કિલો પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. આમ રાપર અને ગાગોદર પોલીસે મળી કુલ રૂૂ. 1,66,260ની કિમતના 55.42 કિલો પોશડોડા અને 1,75,260ના 58.42 કિલો વનસ્પતિ પાંદડા અને ડાળખા મળી કુલ રૂૂ. 3,41,250નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે 1 આરોપીને ઝડપી લીધો છે જ્યારે 2 આરોપી પકડવાના બાકી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.