રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ભાગી ગયેલો પોકસોનો કેદી કચ્છમાંથી ઝડપાયો
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી છેલ્લા દસ વર્ષથી ફરાર પોક્સો કેસના એક કેદીને ભુજ (કચ્છ) ના ધાણેટી ગામમાંથી પકડી પાડવામાં આવ્યો છે. આ કેદી પોતાનું નામ બદલીને રહેતો હતો.
ચકાભાઇ ગગજીભાઈ કોળી નામના આ કેદીને પોક્સો કલમ 6 સહિત આઈપીસી કલમ 363, 366 હેઠળ 12 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તે હળવદ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 01/2014ના ગુનામાં સંડોવાયેલો હતો.
એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા અને પેરોલ ફર્લો સ્કોડના I/C પો.સબ.ઇન્સ. એન.એ.રાયમાની ટીમો દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ટીમોએ સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને ફરાર આરોપીઓને શોધી કાઢવા પ્રયાસ કર્યો હતો.
આ ઝુંબેશ દરમિયાન, પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ. સંજયને હ્યુમન સોર્સ દ્વારા અને એલ.સી.બી.ના પો.કોન્સ મહેન્દ્રને ટેકનિકલ સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ધાણેટી ગામ, તા. ભુજ-કચ્છ ખાતેથી ફરાર કેદી ચકા કોળીને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરીને તેને રાજકોટ મધ્યસ્થ જેલને સોંપી દેવામાં આવ્યો છે.