મુંદ્રા કસ્ટમે વધુ ત્રણ કરોડની સોપારી ઝડપી
ડિકલેરેશનમાં પ્લાસ્ટિકના દાણા દર્શાવ્યા, કસ્ટમે તપાસ કરતા સોપારીનો જથ્થો મળ્યો!: હજુ બે ક્ધટેનર શંકાના દાયરામાં: એસઆઈઆઈબીનો તપાસનો ધમધમાટ
સોપારીકાંડનું ભૂત બહુ ધૂણ્યું અને કાર્યવાહી પણ થઈ, પરંતુ આ દેશ વિરોધી પણ કાળું કામ કરી કરોડોની કમાણીનો મોહ હજુ ઓછો થયો ન હોય એમ આજે પીવીસી રેઝિન (પ્લાસ્ટિકના દાણા)ની આડમાં બે ક્ધટેનર ભરેલી 53 ટન વજનની અંદાજે રૂૂા. ત્રણ કરોડની સોપારીને કંડલા કાસેઝમાં જતાં પહેલાં જ મુંદરા પોર્ટ પર મુંદરા કસ્ટમની એસઆઇઆઈબી શાખા દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. આ સંદર્ભે આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મુંદરા કસ્ટમની એસઆઇઆઇબી શાખાને મળેલી બાતમીના બાદ મુંદરા કસ્ટમના પ્રિન્સિપલ કમિશનર કે. એન્જિનીયરની સૂચનાથી કસ્ટમની આ સતર્ક બ્રાન્ચ દ્વારા કરાયેલી તપાસમાં બે મોટા 40 ફૂટ સાઈઝના ક્ધટેનરમાં સંપૂર્ણપણે સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવ્યો હતો.
ખરેખર દુબઈથી આવતો અને કંડલા કાસેઝ (કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ના એક યુનિટમાં જતો હોવાનું આયાતકાર દ્વારા ડિક્લેર કરાયું હતું અને જથ્થામાં પીવીસી રેઝિન એટલે કે, પ્લાસ્ટિકના દાણા દર્શાવાયેલા હતા, પરંતુ આ મિસ ડિક્લેરેશન કેસમાં બે ક્ધટેનરમાં કુલ 53 ટન વજનની સોપારી મળી આવી હતી. આ સાથે જ ફરી એકવાર સોપારીની દાણચોરી હજુ કોઈ ડર વિના ચાલુ હોવાનું ફલિત થાય છે. જાણકાર સૂત્રો ઉમેરે છે કે, મૂળ તો શ્રીલંકા અને વિયેતનામ જેવા દેશોમાં સોપારી થાય છે, પરંતુ દુબઈથી સોપારી લઈ આવવામાં તંત્રને છેતરવા માટે દર વખતે નવી-નવી મોડેસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે.
આ વખતે પીવીસી રેઝિન દર્શાવાયા કે જેનો જથ્થો સામાન્ય રીતે મોટી કંપનીઓ દ્વારા નિયમિત રીતે અને મોટા જથ્થામાં આયાત થાય છે અને પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા આવતો આ જથ્થો લગભગ બરાબર જ હોવાનું પાસ થઈ જતું હોય છે અને તપાસ પણ ઓછી થતી હોય છે. હવે આવો જથ્થો દેખાડી તેની આડમાં સોપારી ઘૂસાડવાનો ફરી સિલસિલો શરૂૂ થયો હોવાનું મનાય છે. સામાન્ય રીતે કાસેઝ જતી આઈટમ ટ્રાન્સશિપમેન્ટ ધોરણે નીકળી ત્યાં જ તપાસ થાય, પરંતુ મુંદરાની આ કસ્ટમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે ક્ધટેનરોને રોકી નાખ્યા અને નજીકના હિન્દ ટર્મિનલ સીએફએસમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તપાસ બાદ આ જથ્થો મળી આવ્યો હતો. હજુ બે ક્ધટેનર શંકાના દાયરામાં છે, ત્યારે તપાસ થશે, તો વધુ ધડાકો થાય અને આ કરચોરીનો આંક વધુ ઊંચો જાય એવી શક્યતા છે. આ સૂત્રો દાવો કરે છે કે, મુંદરામાંથી એસઆઈઆઈબીની છેલ્લા થોડા સમયમાં થયેલી ઉપરાઉપરી સારી કાર્યવાહી બાદ આ સોપારીના દાણચોરો ફરી પાછા કંડલા કાસેઝનો ઉપયોગ કરી લેતા હોય એવું લાગે છે.