મુન્દ્રાની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ સંતાનો સાથે ઝંપલાવ્યું : ત્રણેય બાળકોના મોત, માતા ગંભીર
મુન્દ્રા તાલુકાના ભોરારા ગામની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ પુત્રો સાથે ઝંપલાવ્યું છે. જેથી ત્રણેય બાળકોના મોત થયા છે. જ્યારે માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ માતાની સ્થિતિ નાજુક છે. ફાયર વિભાગની ટીમે ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા છે. મુન્દ્રા પોલીસે બનાવ પાછળનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી છે.
મુન્દ્રાના ભોરારા ગામની નર્મદા કેનાલમાં માતાએ બાળકો સાથે ઝંપલાવ્યું છે. ત્રણેય બાળકોના મોત થતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
મુન્દ્રા પોલીસના હેડ કોન્સ્ટેબલ અને તપાસનીશ જયરાજસિંહ ઝાલાએ ભોરારા કેનાલ મામલે પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે, ભોરારા ગામ નજીક આવેલા સોઢા કેમ્પમાં રહેતા સુરજબા અને તેમના ત્રણ બાળકો પાસેની નર્મદા કેનાલમાં સાંજના સમયે ડૂબી ગયા હતા. આ બનાવમાં ત્રણ બાળકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે માતાને સ્થનિક તરવૈયાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. જોકે, માતાની હાલત ગંભીર છે અને તેમની સારવાર મુન્દ્રા ખાતેની હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમજ મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે.
વધુમાં જણાવ્યું કે, બનાવ પાછળનું કારણ જાણવા હાલ તપાસ ચાલી રહી છે. અલબત્ત આ ઘટના આત્મહત્યાની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનામાં રવિરાજસિંહ સોઢા (ઉ.12), હરદેવસિંહ સોઢા (ઉ.58) અને યુવરાજસિંહ (ઉ.5)ના મોત થયા હતાં. જ્યારે માતા સુરજબા (ઉ.35) સારવાર હેઠળ છે. આ ઘટનામાં પોલીસ માતા સામે હત્યાનો ગુનો નોંધશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.