પાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા-બે પુત્રીના મોત
કચ્છના આડેસર ગામે પાણીના ટાંકામાં ડુબી જવાથી માતા તથા બે પુત્રીના મોત નિપજતા અરેરાટી ફેલાઇ જવા પામી છે. મળતી માહિતી મુજબ એક પુત્રી અકસ્માતે પાણીમાં પડી જતા માતા તેની ત્રણ માસની બાળકી સાથે બચાવવા ટાંકામાં કુદી પડી હતી. પરિણામે માતા તથા બન્ને પુત્રીના ડુબી જવાથી કરૂણ મોત નિપજયા હતા.
આડેસર ગામે રૈયાબેન રવાભાઈ મકવાણાની પુત્રી આરવી પાણીના ટાંકામાં પડી ગઈ હોવાથી તેને બચાવવા રૈયાબેન આયુશી નામની ત્રણ મહિનાની બાળકી સાથે ટાંકામાં ઉતરતા ડૂબી ગયા હતા. પરિવારજનોએ ત્રણેયને બહાર કાઢી પલાંસવા હોસ્પિટલ ખસેડતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. આડેસર પીઆઈ જે.એમ. વાળા દ્વારા આ અંગે તપાસ હાથ ધરાઈ છે.
આ ઘટના પ્રાથમીક દ્રષ્ટીએ અકસ્માતની ગણાવવામાં આવી રહી છે. આમ છતા પાણીમાં પડી ગયેલી મોટી પુત્રીને બચાવવા માતાએ છ માસની પુત્રી સાથે ટાંકામાં શા માટે ઝંપલાવ્યુ તે અંગે સવાલો ઉભા થતા પોલીસ દ્વારા આ ઘટનામાં ઉંડાણ પુર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવથી આડેસર ગામમાં ભારે શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.