For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું

11:48 AM Oct 30, 2025 IST | admin
ગુજરાતમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું  સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું

કલાયમેટ ચેન્જની ગુજરાત પર વ્યાપક અસર, ગ્રોસ ડોમેસ્ટિક કલાયમેટ રિસ્કના વૈશ્ર્વિક રિપોર્ટનું તારણ

Advertisement

વૈશ્વિક સ્તરે જાહેર થયેલા ગ્રોસ ડોમેસ્ટિક ક્લાયમેટ રિસ્ક રિપોર્ટ 2024 માં દુનિયાના ટોપ 50 પ્રદેશોના ડોમેસ્ટિક ક્લાયમેટ રિસ્કમાં ગુજરાતનો પણ સમાવેશ થતાં રાજ્યમાં પર્યાવરણના મોટા ફેરફારોની ગંભીરતા સ્પષ્ટ થઈ છે. આ ઉપરાંત રાજ્યની યુનિવર્સિટીઓમાં થયેલા સંશોધનોમાં પણ એવું સામે આવ્યું છે કે ગુજરાતમાં વરસાદનો ટ્રેન્ડ બદલાયો છે અને તેની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થયો છે.

વિશ્વના 2600 પ્રદેશોના અભ્યાસ બાદ તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં દેશના નવેક રાજ્યો ક્લાયમેટ રિસ્કના ગંભીર ભય હેઠળ છે, જેમાં ગુજરાતનું સ્થાન પણ સામેલ છે. રાજ્યમાં પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ અંગેના સંશોધનોમાં નિષ્ણાતોએ નોંધ્યું છે કે ગુજરાતમાં એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ (અતિશય હવામાન ઘટનાઓ)માં વધારો જોવા મળ્યો છે.ક્લાઇમેટ ચેન્જની સીધી અસર રાજ્યના ચોમાસા પર પડી છે. અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં અતિશય વરસાદ નોંધાતો હતો, પરંતુ હવે ચિત્ર બદલાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. રાજ્યમાં સરેરાશ વરસાદ વધ્યો છે, પરંતુ તેની સામે વરસાદી દિવસોની સંખ્યા ઘટી છે, જે ઓછા સમયમાં વધુ વરસાદ પડવાની ઘટનાઓ તરફ ઈશારો કરે છે.

Advertisement

વધુ પ્રમાણમાં વરસાદ પડવાના કારણે ઘણી જગ્યાએ લીલા દુકાળ ની પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યાં ખેતીને વ્યાપક નુકસાન થાય છે. બનાસકાંઠામાં આનું સ્પષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતું.

ગ્રીન વોલની જરૂર
પર્યાવરણવિદોનું માનવું છે કે ક્લાયમેટ ચેન્જ અને વધતી જતી વરસાદની તીવ્રતાને કારણે દરિયાકાંઠાના વિસ્તારો જોખમમાં મુકાયા છે. આંધ્રપ્રદેશે ક્લાયમેટ ચેન્જ સામે લડવા માટે ગ્રેટ ગ્રીન વોલ (દરિયા કિનારાનું બાયો શીલ્ડીંગ) બનાવવાનું આયોજન કર્યું છે, જેમાં ચેર (મેન્ગ્રોવ્સ) અને અન્ય વૃક્ષોનું પ્લાન્ટેશન કરીને દરિયાકિનારાને સુરક્ષિત કરાશે. ગુજરાત ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી, પર્યાવરણવિદોએ આવી જ યોજનાઓ ગુજરાતમાં પણ તાત્કાલિક અમલમાં લાવવા માટે વિચારણા કરવાની માંગ કરી છે, જેથી રાજ્યને દરિયાઈ જોખમો સામે સુરક્ષિત કરી શકાય.

Advertisement
Tags :
Advertisement
Advertisement