કચ્છના અબડાસામાં જનતા રેડ કરી સ્થાનિકોએ કારમાંથી દેશી દારૂ પકડયો
પોલીસની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિકોએ દરોડા પાડવા પડયા
કચ્છના અબડાસા તાલુકામાં આવેલા સાંઘી ચોકડી નજીક આજે પોલીસની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક લોકોએ જાતે જ જનતા રેડ કરીને દેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટનાએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોએ સાંઘી ચોકડી પાસે એક બોલેરો કારમાં દેશી દારૂૂની હેરાફેરી થઈ રહી હતી તે સમયે તેને આંતરી હતી.
કારની તપાસ કરતાં તેમાંથી કોથળા ભરીને દેશી દારૂૂ ઝડપાયો હતો. કારમાં મોટા પ્રમાણમાં દારૂૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. આ સમગ્ર દારૂૂનો જથ્થો વાયોર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ઝડપાયો હતો. સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં થતી દારૂૂની હેરાફેરી અંગે અગાઉ અનેકવાર પોલીસને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી.
તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આખરે લોકોએ કાયદો પોતાના હાથમાં લઈને જનતા રેડ કરવાનું પગલું ભર્યું હતું.લોકોના આ પગલા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી અને દારૂૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જોકે પોલીસની નિષ્ક્રિયતા સામે જનતા દ્વારા દારૂૂ ઝડપી પાડવાની આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને પોલીસની ગેરહાજરીમાં થતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો છે.