ગાંધીધામના મીઠીરોહર નજીક કારમાંથી 3.77 લાખનો દારૂ મળ્યો
તાલુકાના મીઠીરોહર નજીક એક કારમાંથી પોલીસે રૂૂા. 3,77,200ના અંગ્રેજી શરાબ સાથે બે ભાઇની ધરપકડ કરી હતી. મીઠીરોહર નજીક મીડ ઇન્ડિયા કંપની પાસે આજે વહેલી પરોઢે પોલીસે કાર્યવાહી કરી હતી. સ્થાનિક પોલીસ બી-ડિવિઝનને પૂર્વ બાતમીના આધારે આ માર્ગ ઉપર વોચ ગોઠવી હતી તેવામાં મીઠાના કારખાનાવાળા માર્ગથી કાર આવતી દેખાતાં આડશ મૂકીને કારને ઊભી રખાવવામાં આવી હતી.
આ કારમાં તપાસ કરાતાં તેમાં અંગ્રેજી શરાબની પેટીઓ નજરે પડી હતી. દરમ્યાન, પડાણામાં રબારીવાસમાં રહેતા વિનય ઉર્ફે વિનોદ રામા કોળી અને તેના નાનાભાઇ સુરેશ રામા કોળીને પકડી લેવામાં આવ્યો હતો. આ કાર નંબર જી.જે. 12 એફ.બી. 4294માંથી ગ્રીન લેબલની 750 એમ.એલ.ની 108 બોટલ, બ્લેન્ડર્સ પ્રાઇડની 72 બોટલ, 8 પી.એમ.ની 33 બોટલ અને કિંગફિશર બિયરના 264 ટીન, ગોડફાધર ધ લેજેન્ડરી બિયરના 91 ટીન એમ કુલ રૂૂા. 3,77,200નો અંગ્રેજી શરાબનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો.
પકડાયેલા શખ્સોની પૂછપરછ કરાતાં પોતે બંને પડાણાના મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વિઠુભા વાઘેલા પાસે કામ કરતા હોવાનું અને તેણે મીઠાના કારખાનામાં આ દારૂૂ સંતાડયો હતો અને પાતાની કાર આપીને કારખાનામાંથી દારૂૂ ભરી લાવી પડાણા પહોંચાડવા જણાવ્યું હોવાનું આ શખ્સોએ પોલીસ સમક્ષ કહ્યું હતું. હાથમાં ન આવેલા મનુભાને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.