કચ્છના મુંદ્રામાં ગોડાઉનમાંથી વધુ એક વખત 1.72 કરોડનો દારૂ ઝડપાયો
મુન્દ્રામાં જીઆઇડીસીમાંથી 31,500 બોટલ સાથે બે આરોપી ઝડપાયા, ત્રણની શોધખોળ
મુન્દ્રા પોલીસે સાયબર સેલ સાથે મળીને GIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી રૂ. 1.71 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ અન્ય વોન્ટેડ જાહેર કરાયા છે.
મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જે. ઠુંમર અને સાયબર સેલ, સરહદી રેન્જ ભુજના પીએસઆઈ એમ.એચ. જાડેજાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે મુન્દ્રા GIDC માં મોટાપાયે દારૂૂનો વેપલો થઇ રહ્યો છે. જે બાતમી મુજબ રેડ કરતાં GIDC વિસ્તારના ગોડાઉન નંબર 33માં દરશડી ગામનો અનિલસિંહ જાડેજા અને મહિપતસિંહ વાઘેલા ટ્રક મારફતે વિદેશી દારૂૂનો જથ્થો ઉતારવાની પેરવી કરી રહ્યા હતા. પોલીસે વિક્રમસિંહ દીલુજી વાઘેલા (ઉ.વ. 37, રહે. મુજપુર, તા. શંખેશ્વર, જિ. પાટણ) અને રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ (ઉ.વ. 25, રહે. સુરેન્દ્રનગર) નામના બે આરોપીઓને પકડી પાડ્યા હતા. આ કેસમાં અનિલસિંહ જાડેજા (માલ મંગાવનાર), મહિપતસિંહ કિરીટસંગ વાઘેલા (માલ મંગાવનાર) અને અનિલ ઉર્ફે પાંડ્યા (માલ મોકલનાર, ટ્રક ચાલક) વોન્ટેડ છે.
પોલીસે સ્થળ પરથી 31,500 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ અને બિયર જપ્ત કર્યો હતો, જેની કિંમત રુપિયા 1,71,09,840 આંકવામાં આવી છે. આ ઉપરાંત, RJ-19-GJ-5475 નંબરની ટ્રક (કિંમત 25 લાખ), GJ-36-V-1760 નંબરની પીકઅપ બોલેરો (કિંમત 5 લાખ),GJ-12-BZ-8554 નંબરની આઈસર ટ્રક (કિંમત 10 લાખ), ત્રણ મોબાઈલ ફોન (કિંમત 15 હજાર) અને રોકડા 7 હજાર સહિત કુલ 2,11,31,840નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ, તેઓ પોલીસ ચેકિંગથી બચવા માટે દારૂૂના જથ્થાને ચોખાના ભૂસાના પેકિંગમાં છુપાવતા હતા. દરોડા દરમિયાન પકડાયેલી ટ્રકમાં અને દારૂૂ ભરવા માટે તૈયાર કરાયેલા વાહનોમાં પણ આવા ભૂસાના બાચકા મળી આવ્યા હતા.