અંજારના ભીમાસરમાં ગળુ કાપી શ્રમિકની હત્યા
પૂર્વ કચ્છમાં આ વર્ષમાં 9 મહિનામાં હત્યાનો 17 મો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે , જેમાં અંજારના ભીમાસર (ચ) પાસે રેલવે સ્ટેશન જવાના રસ્તા પર તીક્ષ્ણ હથિયાર વડે ગળું વેતરી પરપ્રાંતિય યુવકની હત્યાને અંજામ અપાયો હોવાની ઘટના સામે આવી છે, મૃતદેહ રસ્તા પર પડ્યો હોવાની જાણ થયા બાદ પહોંચેલી પોલીસે મૃતદેહ હોસ્પિટલ પહોંચાડી અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અંજાર પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે બી-બીટમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હીરાભાઇ માનજીભાઇ ચૌધરીએ સરકાર તરફે ફરિયાદી બની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, સોમવારે વહેલી સવારે તેઓ ઘરે હતા ત્યારે પીએસઓએ ફોન કરી જાણ કરી હતી કે, ભીમાસર(ચ) ગામના રેલવે સ્ટેશન જતા રસ્તાની બાજુમાં પુરૂૂષનો મૃતદેહ પડ્યો છે.
આ જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે માધવ હોટલ સામે પહોંચ્યા હતા. ત્યાં લોકોનું ટોળું એકઠું થયું હતું. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડેલી હાલતમાં મૃતદેહ પડ્યો હતો. તેમણે આસપાસ ઉભેલાઓમાંથી માધવ હોટલના સંચાલક હરાધન ગરઇને પુછતાં આ મૃતક યુવાન અરૂૂણકુમાર દેવકુમાર સાવ તેમની હોટલમાં જ કામ કરતો હોવાનું જણાવ્યું હતું.
તેના સગા સબંધી બાબતે પુછતાં તેમણે એક સ્ત્રી ઉભી હતી તે મૃતકની પત્ની હોવાનું જણાવતાં તેમણે કરેલી પુછપરછમાં તે રેખા અરૂૂણકુમાર સાવ હોવાનું જણાવ્યું હતું. હોટલના સંચાલક હરાધન અને મૃતકના પત્ની રેખા સાથે મૃતદેહ હોસ્પિટલ પીએમ અર્થે લઇ જવાયો હતો. તેમણે અજાણ્યા ઇસમ સામે હત્યાની કલમ તળે ગુનો નોંધાનવ્યો છે. હાલ કયા કારણોસર યુવાનની હત્યા કરાઇ ? કોણે આ હત્યા કરી ? આ તમામ સવાલોએ રહસ્ય સર્જ્યું છે.
આ ઘટનામાં પરપ્રાંતિય યુવાનને તીક્ષ્ણ હથિયારથી ગળું વેતરી હત્યા કરાઇ છે તે સામે આવ્યું છે , મૃતદેહ જ્યાં મળ્યો ત્યાં જ આવેલી માધવ હોટલમાં જ નોકરી કરતો હતો અને તેના પત્ની પણ તેની સાથે જ રહેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સીસી ટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી હત્યા કરનારને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું પીઆઇ એ.આર..ગોહીલે જણાવ્યું હતું.
