કચ્છી વેપારીની આફ્રિકામાં હત્યા, રોકડની લૂંટ
માડાગાસ્કરમાં કાર ઉપર અજાણ્યા બાઇક સવારોએ ગોળીબાર કરી પત્નીની નજર સામે જ હત્યા નિપજાવતા ભારે ખળભળાટ
નાનપણથી ઘાટકોપર (ઈસ્ટ)માં અને પછી પવઈમાં રહેતા ઈસ્ટ આફ્રિકાના દેશ માડાગાસ્કરના મજેન્ડાના ચોખાના ઇમ્પોર્ટર અને કઠોળના એક્સપોર્ટર જયેશ છેડા પર શુક્રવારે ભારતીય સમય પ્રમાણે રાતના 9.30 વાગ્યે સ્થાનિક અસામાજિક તત્ત્વોએ તેમનાં પત્ની ઉમાબહેન સામે જ તેમને લૂંટીને તેમના પર ફાયરિંગ કર્યું હતું. આ બનાવમાં 57 વર્ષના કચ્છી વીસા ઓસવાળ જૈન જયેશભાઈ શાહનું મૃત્યુ થવાથી મુંબઈના કચ્છી જૈન સમાજમાં અને દેશના ચોખા-કઠોળના એક્સપોર્ટર-ઇમ્પોર્ટર સમુદાયમાં ખળભળાટ અને આઘાત ફેલાયો હતો.
જયેશ છેડાના મોટા ભાઈ અને કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના અગ્રણી જતીન છેડાએ કહ્યું હતું કે અમારી મૂળ અનાજની પેઢી શાહ રવજી ગાંગજીની કંપની વર્ષો પહેલાં મસ્જિદ બંદરના દાણાબજારમાં હતી. અન્ય પેઢીઓની જેમ 1993માં અમારી કંપની નવી મુંબઈના વાશીની અઙખઈ માર્કેટમાં શિફ્ટ થઈ હતી. મારા પિતા મોરારજી દેઢિયા 2003માં દેહાંત પામ્યા એ પછી નવી મુંબઈની પેઢીને બંધ કરીને મારા નાના ભાઈ જયેશે 2010માં મેડગેસ્કર-મજેન્ડાના પોર્ટ પાસે ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો સ્વતંત્ર બિઝનેસ શરૂૂ કર્યો હતો. જયેશ તેની પત્ની ઉમા સાથે મજેન્ડા (મોરિશ્યસની બાજુમાં)માં રહેતો હતો. ત્યાં તે અનાજ અને કઠોળની સાથે વિશેષરૂૂપે ચોખાની આયાતનો બિઝનેસ કરતો હતો. જયેશ વર્ષે 700થી 1000 ક્ધટેનરોનો ચોખાનો બિઝનેસ કરતો હતો. ત્યાંથી તે વર્ષે 300થી 400 ક્ધટેનર ચોળા ભારત એક્સપોર્ટ કરતો હતો. જયેશ જ્યાં રહેતો હતો ત્યાં 150થી 200 ગુજરાતી પરિવારો રહે છે.
શુક્રવારની દુખદ ઘટનાની જાણકારી આપતાં જતીન છેડાએ કહ્યું હતું કે શુક્રવારે જયેશ તેના રોજિંદા ક્રમ પ્રમાણે સાંજે તેની ઑફિસ બંધ કરીને પાંચ-સાત મિનિટના અંતરે આવેલા નિવાસસ્થાને તેની પત્ની સાથે પહોંચ્યો હતો. ત્યાં તેણે તેની પત્ની સાથે બહાર જવાનો પ્લાન બનાવતાં એક કાર પાર્ક કરીને બીજી કાર લેવા જઈ રહ્યો હતો. ત્યારે તેને બાઇક પર આવેલા હબસીઓએ રિવોલ્વર બતાવીને આંતર્યો હતો. જયેશ આફ્રિકા રહેવા ગયો ત્યારથી જ તેણે ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કર્યું હતું કે ક્યારેક કોઈ લૂંટવા આવે તો તરત જ સરેન્ડર થઈને તેને બધું જ સોંપી દેવું. શુક્રવારે બાઇકરોએ જેવો તેને આંતર્યો એટલે તરત જ જયેશે તેના હાથમાં રહેલું લેપટોપ અને તેની પાસે રહેલી રોકડ રકમ લૂંટારાઓને સોંપી દીધાં હતાં. આમ છતાં લૂંટારાઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. એમાં જયેશને છાતીમાં ગોળી વાગી હતી અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. આ બનાવ બનતાં જ સ્થાનિક રહેવાસીઓ ભેગા થઈ ગયા હતા અને જયેશને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
જયેશ નાનપણથી જ ધર્મિષ્ઠ હતો એમ જણાવીને જતીન છેડાએ વધુમાં કહ્યું હતું કે નજયેશે નાનપણમાં જ જૈનોના પ્રતિક્રમણનો ધાર્મિક અભ્યાસ કર્યો હતો. ઘાટકોપરના જીરાવલ્લા પાર્શ્વનાથ ઉપાશ્રયમાં પર્યુષણ પર્વમાં તે પ્રતિક્રમણ કરાવતો હતો. મજેન્ડા જઈને પણ તેણે આ ક્રમ ચાલુ રાખ્યો હતો. ત્યાં બેસીને પણ તે ઘાટકોપર કે તેના સમાજનાં ધાર્મિક કાર્યોમાં યોગદાન આપતો હતો. સાધુ-સંતોના સેવાકાર્યમાં તે હંમેશાં અગ્ર રહેતો હતો.