ભુજના નારણપરના ખેડૂત પાસેથી ત્રણ લાખની ખંડણી માંગનાર પત્રકારની ધરપકડ
પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ એમ બેવડી ભૂમિકાનો ગેરઉપયોગ કરી જમીન સંલગ્ન મામલામાં ત્રણ લાખ રૂૂપિયા પડાવવાનો કારસો રચનારા ભુજની રેવન્યુ કોલોનીમાં રહેતા પત્રકાર નવીનગિરિ દેવગિરિ ગોસ્વામી સામે ખંડણીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.
આ મામલાના પગલે પત્રકારત્વ જેવા પવિત્ર વ્યવસાયને લૂણો લગાડનારા વગોવાયેલા અને પંકાયેલા માથાંઓનો મુદ્દો ફરી એકવાર સપાટી પર આવ્યો છે. આ પ્રકરણમાં ભોગ બનનારા શિવજીભાઈ લાલજીભાઈ પિંડોરિયા અને તેમની પત્નીની માલિકીની જમીનો બાબતે પડાયેલી નોંધો રદ કરવાની ધાકધમકી આપી સમદૃષ્ટિ ન્યૂઝના પત્રકાર નવીનગિરિ ગોસ્વામીએ આ સમગ્ર કૃત્યને અંજામ આપ્યો હતો. આ આરોપીએ એક લાખ રૂૂપિયા પડાવ્યા હતા. બાદ વધુ ત્રણ લાખ અંકે કરવાનો કારસો રચ્યો હતો.
આ દરમિયાન ભોગ બનનારાઓએ કાયદાનું શરણું લેતાં આ ખંડણી કેસનો ભાંડો ફૂટયો હતો. પોલીસે જાહેર કરેલી સત્તવાર વિગતો અનુસાર, જિલ્લા પોલીસ અધીક્ષક સમક્ષ કેસની કેફિયત પહોંચ્યા પછી તેમણે સ્થાનિક ગુનાશોધક શાખાને છાનબિનનો આદેશ કર્યો હતો. એલસીબીની ટુકડીએ ઈન્ચાર્જ પીઆઈ એચ. આર. જેઠીની રાહબરીમાં ઝડપભેર કડીબદ્ધ પગલાં લઈ આરોપીને દબોચી લીધો હતો. બાદમાં તેની સામે માનકૂવા પોલીસ મથકમાં વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પત્રકારની સાથે આરટીઆઈ કાર્યકર્તા તરીકે આરોપીએ અત્યારસુધી અન્ય કોઈને આ રીતે શીશામાં ઉતાર્યા છે કે કેમ, તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તેના સહિતની આનુસંગિક કાર્યવાહી કરવામાં આવશે.
આ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમાજ વ્યવસ્થામાં આદરભર્યું અને અદકેરું સ્થાન ધરાવતા પત્રકારત્વના પવિત્ર વ્યવસાયમાં લેભાગુ, તકવાદી અને તોડબાજ તત્ત્વોએ પગપેસારો કર્યા બાદ છેલ્લા કેટલાક સમયથી વ્યવસાયની ગરિમાને બટો લગાડે તેવી આવી ઘટનાઓ સમયાંતરે બનતી આવે છે. આ ખંડણી કેસમાં પકડાયેલા આરોપી અને તેની સાથેના બે સાગરીત પત્રકારને થોડા સમય પહેલાં દારૂૂના એક ધંધાર્થીએ માર માર્યો હોવાનો કિસ્સો પણ સારો એવો ચર્ચાસ્પદ બન્યો હતો