અંજારના સિનુગ્રા ગામે બે મજૂરે શ્રમિકને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો
ભાગ્યલક્ષ્મી ઈન્ફ્રા પ્રોજેક્ટ નામથી સ્ટોન ક્રશર પ્લાન્ટ પાસે બનાવ: અવારનવાર થતાં ઝઘડામાં હત્યાને અંજામ આપ્યો
અંજારના સિનુગ્રા ગામની સીમમાં આવેલા સ્ટોન ક્રશર પ્લાન્ટ (ભેડિયા)માં કામ કરતાં બે પરપ્રાંતીય મજૂરે ભેગા મળીને સહમજૂરને માથામાં મોટો પથ્થર ઝીંકી મારી નાખ્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે.
સિનુગ્રાના સીમાડે ભાગ્યલક્ષ્મી ઈન્ફ્રા પ્રોજેક્ટ નામથી સ્ટોન ક્રશર પ્લાન્ટ આવેલો છે. તેમાં દસ મજૂરો કામ કરે છે અને ત્યાં જ બનાવેલી ઓરડીઓમાં વસવાટ કરે છે. મરણજનાર ચરકુનાગ ઈન્દ્રો સાહુને સાથે કામ કરતાં ભીમસિંગ અને સાગર ઊર્ફે બહેરા સાથે મનમેળ નહોતો. છેલ્લાં છ માસમાં ચરકુનાગની અવારનવાર બેઉ સાથે બોલાચાલી થયેલી. ગત રાત્રિના ચરકુનાગ પ્લાન્ટ બહાર જતો હતો ત્યારે ભીમસિંગ અને બહેરો બેઉ તેની પાછળ ગયા હતા. પ્લાન્ટ બહાર જ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જ્યાં બંનેએ ભેગા મળી ચરકુનાગને ધક્કો મારી નીચે પાડી દીધો હતો. ત્યાર બાદ ભીમસિંગે તેને પકડી રાખ્યો હતો અને બહેરાએ ચરકુનાગના માથામાં મોટો પથ્થર ઝીંકી દીધો હતો. બબાલના પગલે અન્ય મજૂરો બહાર દોડી આવતાં બેઉ જણ ત્યાંથી નાસી ગયાં હતાં.
ઘટના અંગે જાણ થતાં પ્લાન્ટ સંચાલક જતીન સોરઠીયા સ્થળ પર દોડી આવ્યા હતા અને જમીન પર લોહી નીંગળતી હાલતમાં પડેલાં ચરકુનાગને અંજાર સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યાના બનાવ અંગે પોલીસે 1 જૂલાઈથી ઈન્ડિયન પીનલ કોડના સ્થાને અમલી બનેલી ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1), 3 (5) હેઠળ બંને વિરુધ્ધ જતીન સોરઠીયાએ આપેલી ફરિયાદ નોંધી પોલીસે આરોપીને ઝડપી પાડ્યા હતા.