આદિપુરમાં બનેવીએ કુહાડાના ઘા ઝીંકી સાળાને રહેંસી નાખ્યો
ઘરકંકાસ બાદ પત્ની રિસામણે ચાલી જતાં સાળા-બનેવી વચ્ચે બોલાચાલી થઈ હતી: મધરાત્રે નિંદ્રાધીન સાળાને કુહાડીના ઘા ઝીંકી માથું ફાડી નાખ્યું: આરોપીને સકંજામાં લેવા તજવીજ
આદિપુરમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં ઘરકંકાસ અંતે હત્યામાં પરિણમ્યો હતો. પત્ની રિસાઈને પિયર ચાલી જતાં સાળા-બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેથી ઉશ્કેરાયેલા બનેવીએ સાળાને કુહાડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર ઘટનાને પગલે ઘર લોહીથી લથપથ થઈ ગયું હતું. પોલીસે આ અંગે તપાસ ચલાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
આદિપુરના ચારવાળી વિસ્તારમાં રહેતા પરેશભાઈ મોહનભાઈ મહેશ્વરી ગત રાત્રિના અરસામાં તેઓ જ્યારે ઘરે હતા ત્યારે ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા તેમના બનેવી ભાણજી નારાયણ ધુવા ઘરે આવ્યા હતા. ત્યારે મૃતકનાં બહેન મૃતકના ઘરે રિસામણે હોવાથી સાળા અને બનેવી વચ્ચે બોલાચાલી થઈ હતી. એ દરમિયાન મૃતકના બનેવીએ કુહાડાનો ઘા મારી સાળાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આદિપુરની સરકારી હોસ્પિટલ રામબાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પોલીસે હત્યાની નોંધ લઈ ગુનો નોંધવાની અને આરોપીને અટક કરવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આદિપુરમાં મધરાત્રે બનેવીએ જ નિદ્રાધીન સાળાના માથામાં કુહાડી ઝીંકી માથું ફાડી નાખીને ઘાતકી હત્યા કરી છે. બનાવના પગલે દોડતી થયેલી પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઘરકંકાસમાં પત્ની છ માસથી રિસામણે બેઠી હતી. તેની અદાવતમાં ઉશ્કેરાયેલા પતિએ સાળાની હત્યા કરી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. મૃતક પરેશ મોહનભાઈ ચુણા (મહેશ્વરી) (ઉં.વ. 21) આદિપુર ચારવાળીમાં ભાડાના મકાનમાં પત્ની સાથે રહેતો હતો.
પરેશ શાકભાજીનો વ્યવસાય કરતો હતો અને તેનાં માતા-પિતા અને બે ભાઈ નજીકની બારવાળીમાં રહે છે. પરેશની મોટી બહેન જમનાના લગ્ન મૂળ મથડાના વતની અને હાલે ગાંધીધામ સુંદરપુરી નવરાત્રિ ચોકમાં રહેતા ભાણજી નારાણભાઈ ધુવા સાથે 17 વર્ષ અગાઉ થયા હતા. ભાણજી જોડે ઘરકંકાસ રહેતો હોઈ જમના છેલ્લા છ માસથી રિસામણે માવતરે બેઠી હતી. ગત રાત્રે મરણ જનાર પરેશ જમી પરવારીને પત્ની જોડે આંગણામાં જમીન પર સૂતો હતો, મધરાત્રે ત્રણ-સવાત્રણના અરસામાં વંડી ટપીને ભાણજી અંદર ઘૂસ્યો હતો અને નિદ્રાધીન પરેશના માથામાં કુહાડી ઝીંકી તેનું માથું ફાડી નાખ્યું હતું.
બનાવ સમયે પરેશની પત્ની અનામિકા જાગી જતાં ભાણજીએ તેના બીજા હાથમાં રહેલી છરી બતાડી તેને ધમકી આપી હતી કે હવે તને પણ મારી નાખીશ અને બીજા ત્રણને પણ મારી નાખીશ. ત્યાર બાદ તે દીવાલ કૂદીને નાસી ગયો હતો. બનાવના પગલે અનામિકાએ તરત બાજુમાં રહેતાં સાસુ-સસરાને જાણ કરી હતી. પરિવારજનો ગંભીર હાલતમાં રહેલા પરેશને 108 મારફત રામબાગ હોસ્પિટલે લઈ ગયા હતા, પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે આદિપુર પીએસઆઈ ભાવેશ ડાંગરે ભાણજી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આદિપુર વિસ્તારમાં ઠેર-ઠેર દેશી વિદેશી દારૂૂના અડ્ડા ધમધમી રહ્યા છે, જેને લીધે શૈક્ષણિક નગરી આદિપુરમાં યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. થોડા દિવસો પહેલાં જ આદિપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના શીણાય ગામ નજીક દેશી દારૂૂના અડ્ડા પર દારૂૂ પીને નર્મદા કેનાલમાં પડી જતાં યુવાનનું મોત નીપજ્યું હતું. પૂર્વ કચ્છ એસ.પી. દ્વારા આદિપુર વિસ્તારમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાય એવી લોકમાગ ઊઠી રહી છે.