હિન્દુ યુગલ ત્રણ સંતાનનો સંકલ્પ કરે તો જ લગ્ન કરાવવા જોઈએ: સ્વામી પ્રદીપ્તાનંદ
કચ્છમાં ગીતા જયંતી મહોત્સવ અવસરે સંબોધન
દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ અને અખિલ કચ્છ સમસ્ત હિંદુ પરિવાર દ્વારા ગીતાજયંતી મહોત્સવની શરૂૂઆત ગીતા ગ્રંથયાત્રા સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે સનાતન ધર્મના રક્ષણ માટે સૌ સંકલ્પબદ્ધ થાય તેવું આહ્વાન સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ કર્યું હતું.
સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ હિંદુ પરિવારોને સંબોધતા જણાવ્યું હતું કે, હવેથી જે હિંદુ યુગલ ઓછામાં ઓછા ત્રણ સંતાનનો સંકલ્પ લે તેના જ લગ્ન કરાવવા જોઈએ. જે યુગલ ત્રણ સંતાન પેદા કરવા માટે તૈયાર ન હોય, તેમને લગ્ન માટેનો સંકલ્પ ન લેવડાવવો જોઈએ.
તેમણે સ્પષ્ટતા કરી કે એક જગ્યાએ સંખ્યા વધતી હોય અને બીજી જગ્યાએ ઘટતી હોય, તો આ ઉપાય કરવો જરૂૂરી છે.સ્વામીજીએ ત્રણ સંતાન હોવા પાછળનું કારણ સમજાવતા કહ્યું કે, જો એક જ સંતાન હશે તો તે યુદ્ધ કરવા જશે કે કોઈની સેવા કરવા? સેવા કરવા માટે કે સંન્યાસ લેવા માટે પણ ભાઈ-બહેન હોવા જરૂૂરી છે, તેથી દરેક ધર્મગુરુઓએ પોતાના સમાજમાં આ ત્રણ સંતાનનો વિચાર ફેલાવવો જોઈએ.
તેમણે સંતાનોના યોગદાન વિશે સમજાવ્યું કે, ત્રણસંતાનમાં એક સંતાન રાષ્ટ્ર અને દેશ માટે, એક સંતાન સમાજ માટે કામ કરે અને એક સંતાન પોતાના પરિવાર માટે સમર્પિત હોવું જોઈએ. તેમણે ચિંતા વ્યક્ત કરી કે પહેલાં હિંદુ ધર્મમાં ચાર કે પાંચ સંતાનો થતા હતા, પણ સમય જતાં માનસિકતા બદલાઈ અને અમે બે અને અમારાં બે અને હવે અમે બે અને અમારો એકની વિચારધારા આવી ગઈ છે. આનાથી હિંદુ સમાજ ધીમે ધીમે લઘુમતી તરફ જઈ રહ્યો છે અને જો એક જ સંતાન હશે તો ભવિષ્યમાં મામા, માસી, ફઈ-ફુઆ જેવા કૌટુંબિક સંબંધો પૂર્ણ થઈ જશે.સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ યુવાનોની માનસિકતા બદલવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આજે કેટલાક યુવાનો લગ્ન કરે છે અને બધા ભોગ સ્વીકારે છે, પરંતુ સંતાન ન કરવાનો નિર્ણય લે છે.
આ માનસિકતામાંથી બહાર આવીને, દરેક યુગલે ત્રણસંતાનના સંકલ્પ સાથે લગ્ન કરવા જોઈએ અને રાષ્ટ્રની, સમાજની અને પોતાના પરિવારની સેવા કરવી જોઈએ.ગીતાજયંતી મહોત્સવનો પ્રારંભ હમીરસર તળાવ પાસે આવેલા રામધૂન મંદિરથી થયો હતો.
આ ગ્રંથયાત્રામાં મિરઝાપર શ્રીકૃષ્ણ બેન્ડ પાર્ટી અને કપિરાજ બાળમંડળનાં બાળકો વાજિંત્રો સાથે જોડાયાં હતાં. કાર્યક્રમનો શુભારંભ બાલિકાઓના અને સાધુ-સંતોના આશીર્વાદ સાથે દીપ પ્રાગટ્ય તેમજ સ્વાગત નૃત્ય (શિવસ્તુતિ) દ્વારા કરાયો હતો.