તાપ બન્યો જીવલેણ: ભુજમાં 65 વર્ષના વૃદ્ધનું ગરમીને કારણે મોત
કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉચકાઈને 42 થી 45 ડીગ્રી તાપમાન સુધી પહોચ્યો છે.તેવામાં ગરમીને કારણે બે વ્યક્તિના મોતની ઘટના સામે આવી છે. ભુજના વાલદાસ નગરમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ ભુજથી માંડવી જતા માર્ગ પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા.જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા તબીબે ગરમીને કારણે મોત નીપજ્યુ હોવાનું જણાવ્યું હતુ.
એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ વાલદાસ નગરમાં રહેતા 65 વર્ષીય બચુભા મીઠુભા જાડેજાનું ગુરુવારે મોત થયું હતું.બનાવ બપોરે બાર વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી વૃદ્ધ ભુજ-માંડવી રોડ પર આવેલ મોગલ ટી હાઉસ સામે રોડની સાઈડમાં બેભાન પડેલા દેખાયા હતા.જાણ થયા બાદ તાત્કાલિક તેમને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.સમગ્ર મામલે તપાસ કરનાર એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ બી.ડી.શ્રીમાળી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,હોસ્પિટલમાં તબીબે પ્રાથમિક તપાસ કરી વૃદ્ધનું મોત ગરમીને કારણે થયું હોવાનું જણાવ્યું હતું.
જયારે બીજી ઘટનામાં, તાલુકાના મમુઆરા ગામના પાટિયા નજીક ગરમીથી હાર્ટએટેક આવતા હરિયાણાના ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું.હરિયાણાથી દાડમ ભરવા માટે આવ્યા બાદ 36 વર્ષીય શિરાજ ઉર્ફે શીરાજુદીન અબ્દુલ રહેમાન ગત 8 એપ્રિલના સવારે પોતાની રીતે ક્યાંક નીકળી ગયો હતો.જે બાદ 9 એપ્રિલના બપોરે અસહ્ય ગરમી અને તાપને કારણે મમુઆરા પાટિયા નજીક આવેલ કચ્છ ટાયર સર્વિસ નામની પંચરની દુકાન નજીક તેને હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું.જે મામલે પદ્ધર પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.