ભુજના ઢોરીમાં પ્રેમીના હાથે પ્રેમિકાની હત્યા
ભુજ તાલુકાના ઢોરી ગામમાં આવેલી દૂધ ડેરીની ઓરડીમાંથી હત્યા કરાયેલી ઝરીનાબેન દાઉદ કુંભાર (ઉ.વ.28) નામની યુવતીની લાશ મળી આવતાં ભારે ચકચાર પ્રસરી હતી. હત્યાના આ બનાવને પગલે પોલીસમાં ભારે દોડધામ થઇ પડી હતી. ફરિયાદ નોંધવા, આરોપીઓને શોધવા સહિતની છાનબીન હાથ ધરાઇ હતી. ઢોરી ગામમાં પોતાના પિયરે રહેનાર ઝરીનાબેન કુંભાર નામની યુવતીની આજે સવારે લોહી નિંગળતી હાલતમાં લાશ મળી આવી હતી. આ વાતની જાણ તેના પરિવારજનોને થતાં પીએમ અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લાશ લઇ જવાઇ હતી. યુવતીની હત્યાનો બનાવ બહાર આવતાં આ ગામમાં ભારે ચકચાર પ્રસરી હતી.
પોલીસે પ્રાથમિક વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યુવતીનાં અગાઉ નિરોણા ખાતે લગ્ન થયાં હતાં, પરંતુ છુટાછેડા બાદ તે પોતાના પિયરે જ રહેતી હતી. આજે તેની હત્યાનો બનાવ બનતાં માધાપર પોલીસ બનાવની જગ્યાએ દોડી ગઇ હતી અને પ્રાથમિક તપાસ કરતાં ગામમાં હમીરભાઇ આહીરની દૂધની ડેરીમાં કામ કરતા હરેશ કાનજી ગાગલે આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવતાં તેને રાઉન્ડ-અપ કરી લેવામાં આવ્યો હતો. એસસી-એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચિયને વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી હરેશ અને યુવતી વચ્ચે છેલ્લા સાતેક વર્ષથી પ્રેમ સંબંધ હતો. યુવતીના નિરોણા ખાતેથી છુટાછેડા બાદ 10-15 દિવસ પહેલાં બીજા લગ્નની વાત થઇ હતી.દરમ્યાન આરોપીએ સવારે ગ્રાહકી ઓછી થતાં આ યુવતીને દૂધની ડેરીની ઓરડીએ મળવા બોલાવી હતી.
જ્યાં આ યુવતીએ બીજા લગ્નની વાત કરી હવે તેને નહીં મળી શકું, તેવું જણાવતાં બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને ઉશ્કેરાયેલા આરોપીએ પથ્થર ઉપાડીને યુવતીને ઉપરાઉપરી ઘા ઝીંકી તેની હત્યા નીપજાવીને નાસી ગયો હતો. આ પ્રકરણમાં સામૂહિક બળાત્કાર કે એવું કાંઈ હાલમાં બહાર આવ્યું નથી અને આરોપી એક કે તેથી વધુ પણ હશે, તો ચોક્કસથી તટસ્થતાથી અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી આરોપીઓને સજા થાય તેવી કાર્યવાહી કરાશે. તેવું કિશ્ચયને ઉમેર્યું હતું.