ગઢસીસા નજીક કોન્ટ્રાકટ બાબતે રૂપિયાની લેતીદેતીમાં મિત્રના હાથે મિત્રની હત્યા
હત્યા બાદ પોલીસમાં આરોપી હાજર થયો, ધરપકડ
કચ્છમાં સતત બીજા દિવસે હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. માંડવી તાલુકાના ગઢશીશા અને રાજપર ગામ વચ્ચે ભાગીદારીમાં ધંધો કરતા બે મિત્રો વચ્ચે રૂૂપિયાની લેતીદેતી અને કોન્ટ્રાક્ટના કામના હિસાબો બાબતે બોલાચાલી થયા બાદ એક મિત્રે બીજાના ગળા ઉપર છરી ફેરવી હત્યા નીપજાવી હતી.
મળતી વિગતો મુજબ, કોન્ટ્રાક્ટર મિત્રો પરિમલ બિહારીલાલ પંડ્યા અને તેમના ભાગીદાર વિજય મનુ વૈષ્ણવ એક જ કારમાં સાથે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની વચ્ચે ધંધામાં પૈસાની લેતીદેતીના વિવાદ અંગે વાતચીત શરૂૂ થઈ, જેણે ઉશ્કેરાટનું સ્વરૂૂપ ધારણ કર્યું હતું. આ ઉશ્કેરાટમાં આરોપી પરિમલ પંડ્યાએ વિજય વૈષ્ણવ પર છરીના ઘા ઝીંકી તેમની હત્યા કરી નાખી હતી.
વિજય વૈષ્ણવની હત્યા કર્યા બાદ આરોપી પરિમલ પંડ્યા ગઢશીશા નજીકથી સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે પોલીસ સમક્ષ પોતે જ હત્યા કરી હોવાની કેફિયત આપી દીધી હતી. મૃતક વિજય વૈષ્ણવ અને આરોપી પરિમલ પંડ્યા બંને માંડવીના કોડાય ગામની એક જ સોસાયટીમાં રહેતા હતા અને સાથે મળીને કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા. આ અંગે પોલીસે આરોપી પરિમલ પંડ્યાની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.