કચ્છ જમીન પ્રકરણમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50 હજારનો દંડ
રાજ્યના પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને કચ્છ ભુજમાં આવેલી સરકારી જમીન એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાના પ્રકરણમાં અમદાવાદની વિશેષ અદાલતે દોષી ઠેરવી એસીબીની કલમ 13 (2) હેઠળ 5 વર્ષની જેલની સજા કરી છે. આ સાથે રૂૂ. 50 હાજરનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે. વધુમાં જો તેઓ આ દંડ ના ભરે તો 3 માસની સાદી કેદની સજા થશે.
પૂર્વ IAS પ્રદીપ શર્મા સામે ત્રણ કેસ હતા જેમાં બે કેસમાં તેમને નિર્દોષ અને એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાયેલા કેસમાં દોષિત ઠેરવ્યા છે. પૂર્વ IAS પ્રદીપ શર્માને એસીબીની કલમ 13(2) મુજબ થઇ 5 વર્ષની સજા અને જો દંડ ના ભરે તો 3 માસની સાદી કેદ, 50 હજારનો દંડ ફટકાર્યો છે.
સરકારી વકીલે કોર્ટમાં વધુ સજાની માગ કરી કહ્યું કે કલેક્ટરની પોસ્ટ ધરાવતા અધિકારીને કડક સજા થવી જોઈએ. તેમણે બચાવ પક્ષનો વિરોધ કરતા કહ્યું કે ઉંમરના આધારે સજા ઓછી થાય તે માગ યોગ્ય નથી. અપરાધીની સજા સાથે લેવાદેવા હોય છે ઉંમર સાથે નહીં. તેમણે કહ્યું કે આ વ્યક્તિગત મામલો નથી પરંતુ દેશ વિરુદ્ધનું કૃત્ય છે.
સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્મા સામે વેલસ્પન કંપનીની વેલ્યૂ પેકેજિંગ નામની પેટા કંપનીને ખોટી રીતે જમીન ફાળવી તેના બદલામાં પોતાની પત્નીને વર્ષ 2004 માં કંપનીમાં કોઈપણ જાતનાં રોકાણ વિના 30 ટકાની ભાગીદાર બનાવી રૂૂ. 29.50 લાખનો નફો મેળવી પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનાં આરોપમાં 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ ધરપકડ કરી હતી.