પ્રથમ વખત કચ્છમાં ગુજસીટોકના આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાઈ
અંજારમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા વ્યાજખોર ટોળકી એવી બે બહેન અને એક ભાઈ વિરુદ્ધ ગુજસીટોકની કલમો તળે પોલીસે કાર્યવાહી કરી હતી. આ ત્રણેયની રૂૂા. 41,70,072ના ત્રણ પ્લોટ અને એક કાર ટાંચમાં લીધા હતા. પોલીસની આવી કાર્યવાહીથી આવા તત્ત્વોમાં રીતસર ફફડાટ પ્રસરી ગયો છે.
અંજારમાં રહેનાર રિયા ઈશ્વરગર ગોસ્વામી વિરુદ્ધ અંજાર, આદિપુર પોલીસ મથકોએ નાણાં ધિરધાર સહિતની કલમો તળે 8 ગુના નોંધાયેલા છે તેમજ આરતી ઈશ્વરગર ગોસ્વામી સામે આદિપુર અને અંજારમાં જુદા-જુદા ચાર ગુના દાખલ થયેલા છે અને તેમના ભાઈ એવા તેજસ ઈશ્વરગર ગોસ્વામી સામે પણ અંજારમાં નાણાં ધિરધાર સહિતની કલમો તળે ચાર ગુના પોલીસ ચોપડે ચડેલા છે. વ્યાજખોર આ ટોળકી વિરુદ્ધ અગાઉ પોલીસે ગુજસીટોકની કલમો તળે કાર્યવાહી કરી હતી. જે પ્રકરણમાં બહાર આવ્યા બાદ પોલીસે ત્રણેય વિરુદ્ધ પાસાની કલમો તળે કામગીરી કરી જુદી-જુદી જેલમાં ધકેલી દીધા હતા. દરમ્યાન વ્યાજખોર શખ્સો સામે કડક કાર્યવાહી અને વ્યાજખોરીમાં એકત્રિત કરેલ મિલકતોને ટાંચમાં લેવા રાજ્યના પોલીસવડાના આદેશ થયા હતા.
પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આવા શખ્સોના ભૂતકાળના રેકર્ડ તપાસવામાં આવ્યા હતા અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ મુજબ કૃત્ય કરતા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ કરાયા હતા. તેવામાં પોલીસે અંજારની આ વ્યાજખોર ટોળકી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ગુજસીટોકની કલમો હેઠળ આ ટોળકીની મિલકત ટાંચમાં લેવા પોલીસે રાજ્યના ગૃહવિભાગમાં દરખાસ્ત કરી હતી, ત્યાંથી લીલીઝંડી મળતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
રિયા ગોસ્વામીના નામે આવેલ મેઘપર બોરીચીમાં પ્લોટ નંબર 7/39, સ્કોર્પિયો કાર નંબર જીજ-12-ઈઈ-2122 તથા આરતીના નામે અંજાર દેવનગરમાં આવેલ પ્લોટ નંબર 74, તેમના માતાના નામે વસાવેલ મેઘપર બોરીચી આશાપુરા નગરમાં પ્લોટ નંબર-62 એમ કુલ રૂૂા. 41,70,072ની કુલ મિલકતને જપ્ત કરી ટાંચમાં લેવામાં આવી હતી. આ કાર્યવાહીમાં અંજાર ડીવાય.એસ.પી. મુકેશ ચૌધરી, અંજાર પી.આઈ. એ.આર. ગોહિલ તથા સ્ટાફ જોડાયો હતો. પોલીસની મિલકત ટાંચમાં લેવાની આવી કાર્યવાહીથી આવા તત્ત્વોમાં સોપો પડી ગયો હતો.