અંજારમાં સરકારી જમીન નામે કરાવી દેવાના બહાને પાંચ લોકો સાથે 90 લાખની ઠગાઈ
ફરિયાદી આદીપુરમાં મંદિરે ગૌસેવા કરવા જતાં આરોપી સાથે ભેટો થયો હતો, અમદાવાદના શખ્સની શોધખોળ
અંજારમાં આવેલી પાંચ સરકારી જમીન તમારાં નામે કરાવી આપીશ તેવી વાતો કરી પાંચ લોકો પાસેથી એક શખ્સે રૂૂા. 90 લાખ મેળવી બાદમાં ફોન બંધ કરી નાસી જતાં તેની સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજારના નાની નાગલપરમાં રહેનાર પરસોત્તમ મનજી હડિયા (સોરઠિયા)એ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ગૌસેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોવાથી આદિપુરના પંચમુખી હનુમાન મંદિરે ગૌસેવા કરવા જતા હતા અને ત્યાં મિત્રો સાથે બેસતા હતા. દરમ્યાન, હનુમાન મંદિરે રહેનાર કિરીટ પટેલ સાથે ફરિયાદીનો ભેટો થયો હતો. અમદાવાદના આ શખ્સે ફરિયાદી સાથે મિત્રતા કેળવી પોતાની ગાંધીનગરમાં ઓળખાણ હોવાનું કહી સરકારી જમીન તમારા નામે કરાવવી હોય તો કહેજો તેમ કહ્યું હતું અને બાદમાં ફરિયાદીને મળવા વારંવાર અંજારના દેવળિયા નાકે આવતો હતો.
ફરિયાદીએ જુદા જુદા સર્વે નંબર બતાવતાં આ આરોપીએ સર્વે નંબર તપાસ કરાવવા 20 લાખની માંગ કરી હતી, જેથી ફરિયાદી આધેડે પોતાની સાથે ભીમજી મૂલજી ચોટારા, પરેશ ધનજી માલસતાર, રસિક પરસોત્તમ હડિયા અને મુકેશ મનજી સોરઠિયાને વાત કરતાં તેમણે પણ હા પાડી હતી. આરોપી કિરીટે પાંચ સર્વે નંબરના 90 લાખની માંગ કરી હતી અને પોતે કહે તે આંગડિયામાં પૈસા મોકલી આપવા કહ્યું હતું. દરમ્યાન, આ પાંચેય લોકોએ ટુકડે-ટુકડે આરોપી કહે તે આંગડિયા પેઢીમાં રૂૂપિયા મોકલાવતા હતા. 90 લાખ જમા કરાવ્યા બાદ તેમણે જમીન પોતાનાં નામે કરાવી આપવા કહેતાં આરોપીએ થોડા દિવસમાં કામ થઇ જવાનું કહ્યું હતું. બે મહિના રહીને પાંચેય અમદાવાદ જતાં આ શખ્સે વધુ 10 લાખની માંગ કરી હતી.
ભોગ બનનારાઓને શંકા જતાં વધુ પૈસા ન આપવા અને આપેલા પૈસા પરત આપવા કહ્યું હતું. ત્યારે કિરીટ પટેલે થોડા દિવસમાં પૈસા પરત આપવાનું કહ્યું હતું. બાદમાં નારાણ રાજા સોરઠિયાના ડ્રાઇવર સંજય પ્રજાપતિએ ફોન કરી કિરીટ પટેલ તમારું કામ કરી આપશે, તેની ઓળખાણ મોટી હોવાનું કહેતાં ભોગ બનનારા વિશ્વાસમાં આવી ગયા હતા. ફરીથી આરોપીને ફોન કરાતાં તેનો ફોન બંધ આવતાં ભોગ બનનારાઓ અમદાવાદ તેના ઘરે જતાં તે અન્યત્ર ચાલ્યો ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ પાંચ લોકોને વિશ્વાસમાં લઇ વિશ્વાસઘાત છેતરપિંડી કરનારા આ શખ્સ સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.