કચ્છના સામત્રામાં મિલકત માટે પતિને જીવતો સળગાવતી પત્ની
પ્રથમ પત્નીનું ચાર વર્ષ પહેલા મોત નિપજતા દોઢ વર્ષ પહેલા બીજા લગ્ન થયા હતા
પત્નીએ અઢાર તોલા સોનાના દાગીના પણ પડાવી લીધા હતા, આરોપીની સઘન પૂછપરછ
તાલુકાના સામત્રામાં ગંભીર રીતે દાઝેલા વૃદ્ધના બનાવમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. જેમાં ભોગબનનારની યુવાન પત્નીએ જ પોતાના વૃદ્ધ પતિને રૂૂપિયા માટે જીવતો સળગાવ્યો હતો જેમાં વૃદ્ધનું મોત થતા સમગ્ર મામલો હવે હત્યામાં પલટાયો છે.
40 વર્ષીય પત્નીએ ભુજમાં મકાન લીધો હતો જેના રૂૂપિયા ભરવા વૃદ્ધ પતિ પાસે માંગણી કરી કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી. આરોપી પત્નીની પોલીસે અટકાયત કરી લીધી છે. આ બનાવથી ગામ સહિત પરિવારજનોમાં ચકચાર મચી ગઈ હતી.
આ બાબતે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સામત્રાના મૃતક 60 વર્ષીય ધનજીભાઈ ઉર્ફે ખીમજીભાઈ વિશ્રામભાઈ કેરાઈએ માનકુવા પોલીસ મથકે પોતાની 40 વર્ષીય પત્ની કૈલાશબેન ધનજી કેરાઈ સામે શનિવારે રાત્રે ગંભીર હાલતમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી. જોકે બાદમાં તેમનું મોત થયું હતું. બનાવ શનિવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો.
હતભાગી વૃદ્ધની પત્નીએ ભુજમાં મકાન લીધેલો હતો. જેના રૂૂપિયા ભરવા માટે અવાર નવાર રૂૂપિયા માંગી ઝઘડો કરતી અને રૂૂપિયા લઇ જતી હતી. એ દરમિયાન આરોપી પત્નીએ હતભાગી પાસેથી મકાન માટે વધુ રૂૂપિયાની માંગણી કરી હતી. જેથી વૃદ્ધ પતિએ રૂૂપિયા આપવાની ના પાડતા આરોપી પત્ની તેમનો હાથ પકડી ઘરના આંગણામાં આવેલી ગેરેજમાં લઇ ગઈ હતી.
જ્યાં બોટલમાં પડેલ કેરોસીન જેવો પ્રવાહી વૃદ્ધ પતિ પર છાંટી દઈ દીવાસળી ચાંપી સળગાવી દીધા હતા. જે બાદ પોતે ગેરેજની બહાર નીકળી જઈ દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને ઉપરના રૂૂમમાં ચાલી ગઈ હતી. આગ લાગતા હતભાગીએ રાડો પડી હતી અને આસપાસથી લોકો આવી ગયા હતા અને એમ્બ્યુલન્સ મારફતે તેમને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝેલા વૃદ્ધ પતિએ સારવાર દરમિયાન રવિવારે સાંજે ચાર વાગ્યે દમ તોડી દીધો હતો.
હતભાગી વૃદ્ધના પહેલા લગ્ન લક્ષ્મીબેન સાથે થયા હતા અને તેમને સંતાનમાં ત્રણ દીકરા છે. પ્રથમ પત્નીનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. જે બાદ દોઢ વર્ષ અગાઉ મહેસાણા જિલ્લાના હીરપુરામાં રહેતી આરોપી કૈલાશબેન કનુસિંહ ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા અને સામત્રામાં બન્ને સાથે રહેતા હતા.
હતભાગી વૃદ્ધ દોઢ વર્ષ અગાઉ લગ્ન કરી આરોપી પત્નીને સામત્રા લઇ આવ્યા હતા. જે બાદ આરોપી પત્નીએ પતિની પહેલી પત્નીના 18 તોલાના સોનાના દાગીના મંગળસુત્ર,પાટલા,કંઠી અને વીંટીઓ પડાવી લઇ પોતાની પાસે રાખી લીધા હતા.વૃદ્ધ પતિ તેની પાસે દાગીના માંગતા ત્યારે આપવાની ના પાડી ઝઘડો કરતી અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી.જે બાબતે હતભાગી વૃદ્ધે પોતાના દીકરા અને સમાજના માણસોને પણ વાત કરી હતી.
સમગ્ર મામલે માનકુવા પોલીસ મથકના પીઆઈ પી.પી.ગોહિલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આરોપી મહિલાના અગાઉ લગ્ન થયેલા હતા. પ્રથમ પતિ સાથે લગ્ન જીવન દરમિયાન તેને સંતાન પ્રાપ્તિ ન થઇ હોવાથી તેની સાથે લગ્ન જીવન તોડી નાખ્યો હતો. જે બાદ મેરેજ બ્યુરો મારફતે સામત્રાના હતભાગી વૃદ્ધ સાથે પરિચય થયો અને લગ્ન કર્યા હતા.