રાપરના કાનમેર નજીક ખાનગી બસમાં આગ ભભૂકી 36 મુસાફરોનો હેમખેમ બચાવ
રાપર તાલુકાના કાનમેર અને રહાડી પાટિયા વચ્ચે ધોરીમાર્ગ ઉપર ગત મોડી રાત્રે દોડતી ખાનગી બસમાં અચાનક આગ ફાટી નીકળતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. જો કે, ચાલકે બસને બાજુએ મૂકી તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. આગના આ બનાવમાં આખી બસ સળગી ગઈ હતી. મળતી વિગતો મુજબ હિંમતનગર - નખત્રાણા વચ્ચે રામાણી ટ્રાવેલ્સની બસની ડેઈલી સર્વિસ છે. ગઈ કાલે હિંમતનગરથી એક બસ ઉપડી હતી, જેમાં 36 મુસાફર સવાર હતા. આ ખાનગી બસ નખત્રાણા આવી રહી હતી.
કચ્છને ઉત્તર ગુજરાત સાથે જોડતા ધોરીમાર્ગ ઉપર આ બસ આવી રહી હતી અને કાનમેર-રહાડી પાટિયા વચ્ચે પહોંચી હતી. દરમ્યાન એન્જિનમાંથી ધુમાડા નીકળતાં બસના ચાલક સતર્ક થઈ ગયા હતા અને તેણે બસને માર્ગની બાજુમાં મૂકી દીધી હતી અને રાત્રે 2:45ના અરસામાં સુઈ રહેલા મુસાફરોને જગાડીને તાબડતોબ નીચે ઉતારી લીધા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. બનાવ અંગે પોલીસ અને અગ્નિશમન દળને જાણ કરાઈ હતી. ખાનગી કંપનીના અગ્નિશમન દળે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા, પરંતુ આગ કાબૂમાં આવે તે પહેલાં આખી બસ સળગી ગઈ હતી. બનાવ સ્થળે દોડી આવેલી ગાગોદર પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. બસમાં સંભવિત શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.