મુન્દ્રામાં ગેસનો બાટલો ફાટતા આગ ભભૂકી, છ લોકો દાઝયા
બાટલો ચાલુ રહી જતા ગેસ પ્રસરી ગયો, સવારે સ્ટવ ચાલુ કરતા બ્લાસ્ટ થયો
રોજિંદા જીવનમાં એક નાની સરખી ભૂલના કારણે કેટલું મોટું નુકસાન થઈ શકે છે તેની પ્રતીતિ કરાવતી ઘટના ફરી મુંદરામાં બની છે. મુંદરામાં એક ઓરડીમાં આખી રાત ગેસનો નોબ ખુલ્લો રહી ગયો હતો, જેના લીધે ગેસ રૂૂમમાં પ્રસરતો રહ્યો હતો અને સવારે જ્યારે ગેસ ચાલુ કરતી વેળાએ ધડાકો થયો હતો, જેમાં છ જણ દાઝી ગયા હતા.
મુંદરા પોલીસે આપેલી વિગતો મુજબ, રાસાપીર સર્કલ પાસે આવેલી એક ઓરડીમાં આખી રાત ગેસનો નોબ ચાલુ રહી ગયો હતો અને સવારે અંદાજિત 7.30 વાગ્યાના અરસામાં જ્યારે ગેસ ચાલુ કરવા જતાં ગેસનો બાટલો ફાટયો હતો, જેમાં સુજિત રાય, મનીક કરમાકર, જયન્તો કરમાકર, હરિ રાય, અનુ મોન્ડલ અને રમેશભાઈ દાઝી ગયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક મુંદરાની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ બનાવમાં સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી.
આ ઘટનાના પગલે આસપાસના લોકો ગભરાઈ ગયા હતા અને દોડીને બહાર આવ્યા હતા. આખી રાત ગેસ કઈ રીતે ચાલુ રહી ગયો તે જાણવા સહિતની તપાસ મુંદરા પોલીસે હાથ ધરી છે. નોંધનીય છે કે, અંદાજિત આઠેક માસ પહેલાં મુંદરામાં રહેણાક વિસ્તારમાં આવેલા મકાનમાં રાંધણગેસના બાટલાની લાઈનમાં લીકેજના કારણે વિસ્ફોટ થયો હતો, જેમાં મૂળ આંધ્રપ્રદેશના પિતા-પુત્રીનાં મોત થયાં હતાં.