ભરૂચના ઝઘડિયાની GIDCમાં બ્રિટાનિયા કંપનીમાં વિકરાળ આગ
કામદારોને સુરક્ષિત કઢાયા: ઉત્પાદનનો પ્લાન્ટ બંધ કરાયો
રાજકોટના મેટોડા જીઆઇડીસીમાં તાજેતરમાં જ ભયંકર આગ લાગવાની ઘટનાના ભળકારા હજુ શાંત થયા છે. ત્યાં ભરૂચની ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ બિસ્કીટનું ઉત્પાદન કરતી બ્રિટાનિયા કંપનીના પ્લાન્ટમાં આગ લાગી હતી. ફયાર ફાયટરો દોડાવી અને આગને કાબુમાં લેવા પ્રયાસ કરાયો હતો. આગના બનાવથી ઉત્પાદનનો પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ગુજરાતના ભરુચની એક નામચીન કંપનીમાં આગ લાગી હોવાની ઘટના બની છે. ભરુચના ઝઘડિયા જીઆઇડીસી ખાતે આવેલી બિસ્કીટ બનાવતી બ્રિટાનિયા કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી.
કામદારોને કંપની બહાર સુરક્ષિત રીતે કઢાયા હતા. જો કે કંપનીમાં આગ લાગતાની સાથે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. પરંતુ માલસામાન બળીને ખાખ થઈ જતા બિસ્કીટ ઉત્પાદનનો પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી છે.