ભુજના દંપતી સાથે રોકાણના બહાને પિતા- પુત્રની રૂપિયા 50.50 લાખની છેતરપિંડી
પૈસા માંગતા આરોપીએ ધમકી આપી, ચિંતામાં મુકાયેલા ફરિયાદીના પત્નીને બ્રેઇનસ્ટોક આવતા મોત નીપજયું
ભુજમાં રેડિમેડ લેડીસ ગાર્મેન્ટની દુકાન ચલાવતા દંપતી સાથે તૈયાર કપડાંનું કારખાનું ચલાવતા પિતા-પુત્રએ 50.50 લાખની ઠગાઈ કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.બનાવને અંજામ અપાયા બાદ સાત વર્ષ બાદ પોલીસનાં સત્તાવાર મળતી વિગતો મુજબ ફરિયાદી કીર્તિભાઈ ચમનલાલ વોરાએ આરોપી પિતા-પુત્ર પુલીનભાઈ નવીનચંદ્ર પવાણી અને કેવલ પુલીનભાઈ પવાણી સામે ફરિયાદ નોંધાવી છે.
આરોપીઓએ ગત તા. 26-10-2017થી તા. 8-01-2019 દરમ્યાન આ બનાવને અંજામ અપાયો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભુજમાં રહેતા આરોપી પિતા-પુત્રએ વર્ષ 2017માં ફરિયાદી અને તેમના પત્ની સાથે પરિચય કેળવ્યો હતો, બાદમાં ઘર જેવા સંબંધ બનાવી વિશ્વાસ કેળવ્યો હતો. ફરિયાદી દંપતીને અમારું ડેવલપર્સનું કામ હોવાનું કહી તેમાં સારો નફો મળશે તેવી વાત કરી હતી. ફરિયાદીના પત્ની રેખાબેનને આરોપીઓએ અમારા વ્યવસાયમાં રોકાણ કરવા માટે કહ્યું હતું.
નવું ડેવલપર્સનું કામ કરવાનું હોઈ સારા નફાની અને થોડા સમયમાં ડબલ થઈ જશે તેવી વાત કરી હતી. ફરિયાદી દંપતીએ વિશ્વાસમાં આવી જઈને પહેલાં એક લાખ અને બાદમાં સંબંધીઓ પાસેથી પૈસા મેળવીને 50.50 લાખ મેળવી લીધા હતા. આરોપીઓએ જુદા-જુદા ચેક પણ આપ્યા હતા. પૈસાની જરૂૂરિયાત ઊભી થતાં આરોપીઓ પાસે પૈસાની માંગ કરી હતી, પરંતુ અન્યત્ર રોકાયા હોવાની વાત કરી હતી. બાદમાં પણ અવારનવાર પૈસા માગતાં કોઈ ને કોઈ બહાના કરતા હતા. છેલ્લે તમારા પૈસા ભૂલી જજો, નહીં મળે, પૈસા માગશો તો પરિણામ સારું નહીં આવે તેવી ધમકી આપી હતી.
આરોપીઓની ધમકીથી ચિંતામાં મુકાયેલા ફરિયાદીના પત્ની રેખાબેનની તબિયત બગડી હતી. તેમને બ્રેઇનસ્ટ્રોક આવ્યા બાદ અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન તેમનું અવસાન થયું હતું. બાદમાં ફરિયાદીના પુત્રીઓએ પણ પૈસા અંગે વાત કરી હતી, પરંતુ તેમને પણ કોઈ જવાબ આપ્યો ન હતો. આ મામલે આજે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.