મુન્દ્રાના વવાર ગામે જમાઈ પર સસરાનું ફાયરિંગ, પીઠમાં ગોળી વાગતા ગંભીર
મુન્દ્રા તાલુકાના વવાર ગામમાં સસરાએ જમાઈ પર ફાયરીંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ગામમાં જ રહેતા 27 વર્ષીય યુવાને આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા જે વાતનું મનદુ:ખ રાખી સમાજવાડીમાં જમણવાર દરમિયાન એક રાઉન્ડ ફાયરીંગ કરતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વવાર ગામના 27 વર્ષીય ભીમા રામ ગઢવીને પીઠના ભાગે ગોળી વાગતા ઈજા પહોચી છે. બનાવ રવિવારે બપોરે સાડા બાર વાગ્યાથી એક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો. ગામમાં આવેલી ચારણ સમાજવાડી પાસે વવાર ગામના આરોપી પ્રતાપ લધા ગઢવીએ ફાયરીંગ કર્યું હતું.
ઈજાગ્રસ્ત યુવાને આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે વાતનું મનદુ:ખ રાખી બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. ગામમાં આવેલ ચારણ સમાજવાડીમાં જમણવારનો કાર્યક્રમ હતો.
એ દરમિયાન આરોપી સસરાએ એક રાઉન્ડ ફાયરીંગ કરતા જમાઈને પીઠના ભાગે ગોળી વાગતા ઈજા પહોચી હતી.
બનાવ બાદ તેને પ્રથમ સારવાર માટે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જે બાદ વધુ સારવાર માટે ભુજની કે.કે.પટેલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.હાલ સમગ્ર મામલે પ્રાગપર પોલીસે ઘટના સ્થળે તપાસ કર્યા બાદ આરોપી સામે ગુનો દાખલ કરવા સહીત તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે પ્રાગપર પોલીસ મથકના પીઆઈ ડી.ડી.શીમ્પી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,ઈજાગ્રસ્ત યુવાન આરોપીની દીકરીને ભગાડીને લઇ ગયો હતો. જે બાદ જુન મહિનામાં તેની સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા.જે મામલે બનાવને અંજામ આપવામાં આવ્યો છે.