ભચાઉ-ગાંધીધામ હાઇવે પર અજાણ્યા વાહને કારને ઠોકરે લેતા પિતા-પુત્રનાં કરૂણ મોત
અકસ્માતમાં માતા-પુત્રીને ગંભીર ઇજા
કચ્છ જિલ્લામાં ભચાઉ-ગાંધીધામ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. અજાણ્યા વાહન સાથે કાર અથડાતા પિતા અને પુત્રનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટનામાં કારમાં સવાર માતા અને પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા છે.
ભચાઉ પોલીસ મથકે નોંધાયેલી પ્રાથમિક માહિતી મુજબ, રવિવારે સાંજે ભચાઉ-ગાંધીધામ હાઈવે પર હોટેલ ગોલ્ડન અને અણુશક્તિ એકમ વચ્ચે કાર અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચિરઈ ગામના 40 વર્ષીય વિજય ચંદુલાલ ગોહિલ (રાજપૂત) અને તેમના 7 વર્ષના પુત્ર દર્શનનું ઘટનાસ્થળે જ અથવા સારવાર મળે તે પહેલાં મૃત્યુ થયું હતું.
કારમાં સવાર વિજય ગોહિલના પત્ની, 33 વર્ષીય ભાવનાબેન વિજય ગોહિલ અને તેમની પુત્રી કાવ્યાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સૌપ્રથમ ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી, ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ પરિવાર ભચાઉના લાલીયાણા ગામથી ચિરઈ જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હતો.
મૃતક વિજય ગોહિલના સાળા હેમાંગ રાજપૂતે જણાવ્યું કે, દિવાળી વેકેશનને કારણે વિજયભાઈ તેમના બહેન, ભાણેજ અને ભાણેજીને લાલીયાણા મૂકી ગયા હતા અને આજે તેમને લેવા આવ્યા હતા. સામખિયાળી પહોંચ્યા બાદ તેમણે કાકાજી સસરાને ત્યાં ચા પીધી હતી અને ત્યાંથી બહેનને ફોન કરીને લાલીયાણા આવવાની જાણ કરી હતી.
બપોરના સમયે તેઓ બહેન, ભાણેજ અને ભાણેજી સાથે કારમાં ચિરઈ જવા રવાના થયા હતા. અચાનક અકસ્માતના સમાચાર મળતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વિજય ગોહિલ એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા હતા. હાલ પીએસઆઈ જી.જે. ત્રિવેદી આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.