અંજારમાં ચોરીના આરોપીને પકડવા ગયેલા કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો
એક વર્ષ પહેલાં હોમગાર્ડ પર છરીથી હુમલો કર્યો તે જ આરોપીનો હુમલો
અંજારમાં એક વર્ષ પહેલાં ચોરીના ઇરાદે ચિત્રકુટ સોસાયટીમાં ફરતો બાળ આરોપી તેને પડકારનાર બે હોમગાર્ડ જવાનો ઉપર છરીથી વાર કરી ભાગી ગયો હતો એ જ બાળ આરોપીએ પુખ્ત વયનો થયા બાદ વિજયનગર વિસ્તારમાં સરકારી હોસ્પિટલ પાછળ વાહન ચોરીના આરોપીને પકડવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ ઉપર મારી નાખવાના ઇરાદે પથ્થરમારો કરી ગંભીર ઇજા પહોંચાડાઇ હોવાની ઘટનામાં પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કરી આરોપી તથા તેના મદદગારોને પકડી લીધા હતા.
અંજાર પોલીસ મથકે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બીપીનભાઇ નાથાભાઇ જીલરિયા શહેરમાં એમસીઆર તથા ચોરીના શકમંદ ઇસમોને શોધવા નીકળ્યા હતા ત્યારે અંજાર પોલીસ મથકે નોંધાયેલી બાઇક ચોરીની ઘટનામાં આ બાઇક ચોરી કરનાર ધ્રુવ ઉર્ફે ધુલો વેલજીભાઇ ચૌહાણ આ બાઇકના સ્પેરપાર્ટ ખોલી સગેવગે કરવાની ફીરાકમાં છે.
તેવી બાતમીના આધારે તેઓ વિજયનગર સરકારી હોસ્પિટલ પાછળ જઇ ત્યાં હાજર ધ્રુવને આ બાઇક ચોરાઉ છે તેમ કહી કોન્સ્ટેબલ ગુલાબસિંહને બોલાવતાં તે દરમિયાન ધ્રુવના પિતા વેલજીભાઇ ચૌહાણે આવીને તેમનો શર્ટ પકડી માર મારવા લાગ્યા હતા અને તમે પોલીસ વાળા મારા પુત્રને અવાર નવાર હેરાન કરતા હો છો કહી ધ્રુવે પથ્થર વડે તેમને મારી નાખવાના ઇરાદે માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી અને એકતાબેને આવી આજે તો આને જાનથી મારી નાખો કહ્યું હતું. સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારીઓએ તેમને છોડાવી સારવાર અર્થે લઇ ગયા હતા. પોલીસે પોલીસ કર્મીને મારી નાખવાના ઇરાદે હુમલો કરનાર ત્રણે જણા સામે હત્યાના પ્રયાસની કલમ સહિતના ગુના નોંધી તરત જ ધરપકડ કરી હતી.