For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભચાઉના ખેડૂતને ‘તમારા ખેતરમાં લક્ષ્મીજીનો વાસ છે’ કહી રૂપિયા 52.20 લાખની તફડંચી

01:08 PM Sep 19, 2025 IST | Bhumika
ભચાઉના ખેડૂતને ‘તમારા ખેતરમાં લક્ષ્મીજીનો વાસ છે’ કહી રૂપિયા 52 20 લાખની તફડંચી

આરોપીએ પિંગલેશ્ર્વર મહાદેવ ખાતે મહંત હોવાની ઓળખ આપી હતી, સકંજામાં લેેવા કવાયત

Advertisement

ભગવાન તમારા પર પ્રસન્ન થયા છે કહી ઠગે તમામ ધન ડબલ થયાની લાલચ આપી દાટવાનું કહ્યું હતું

ભચાઉ તાલુકાના સંગમનેરમાં રહેનાર વૃદ્ધ ખેડૂતને તમારી જમીનમાં લક્ષ્મીજીનો વાસ છે, તમારી તમામ સંપત્તિ જમીનમાં દાટી દો, બેવડી થઈને મળશે તેમ કહી એક ઠગબાજે ખેડૂતના ખેતર માંથી રૂૂા. 52,20,000ની મતાની તફડંચી કરી હતી. સંગમનેરમાં રહેનાર ખેડૂત એવા ફરિયાદી પરસોત્તમ મનજીભાઈ છાભૈયા (પટેલ) તા. 19/8ના સવારના અરસામાં ગામના હનુમાન મંદિર પાસે બેઠા હતા, ત્યારે સ્વિફ્ટ ગાડી નંબર જી.જે. 12 ડીએક્સ-6789માં એક ભગવા કપડા પહેરીને મહંત આવ્યા હતા, જેણે કાળો પિવાની માંગ કરતાં વૃદ્ધ ખેડૂતે કાળો પાયો હતો, બાદમાં આ શખ્સે પોતાની ઓળખ નલિયા પિંગલેશ્વર મહાદેવ ખાતે આશ્રમ છે તેનો મહંત હોવાની આપી હતી.

Advertisement

હું જૂનાગઢ જાઉં છું તેમ કહી આ શખ્સ નીકળી ગયો હતો અને ફરિયાદીના નંબર લેતો ગયો હતો. બીજા દિવસે આ શખ્સે ફરિયાદીને ફોન કરી તમારા વિશે સપનું આવેલ છે, તમારું દુ:ખ દૂર કરવા કુદરતે મને નિમિત્ત રાખ્યો છે, તેમ કહી રૂૂબરૂૂ આવી વાત કરવા અને ત્યાર સુધી કંકુ, ચોખા, માટલું, અગરબત્તી તૈયાર રાખજો. બાદમાં બીજા દિવસે આ ઠગબાજ ગાડી લઈને આવ્યો હતો. ફરિયાદીએ સામગ્રી તૈયાર રાખી હતી. બાદમાં બંને સુખપરની સીમમાં આવેલા ફરિયાદીના ખેતરે ગયા હતા, જ્યાં ખેતરના શેઢે ખાડો ખોદી તેમાં માટલું, કંકુ, ચોખા મૂકી અગરબત્તી કરાવી આ શખ્સે વિધિ કરાવી હતી.

માટલું દાટીને બંને નીકળી ગયા હતા અને ફરિયાદીને સાંજે ફોન કરી ખેતરે જવા કહ્યું હતું. ફરિયાદી ખેતરે જઈ માટલું ખોદતાં તેમાંથી કૃષ્ણ ભગવાનની મૂર્તિ, શેષનાગવાળી લક્ષ્મીનારાયણની મૂર્તિ, સિલ્વર રંગના 15 સિક્કા મળી આવ્યા હતા. ખેડૂતે ઠગબાજને ફોન કરતાં ભગવાન સ્વયં તમારા પર પ્રસન્ન થયા છે, તમારા ખેતરમાં લક્ષ્મીનો વાસ છે. તમારા ઘરમાં રહેલા દાગીના, રોકડ રકમ ડબ્બામાં ભરીને દાટી નાખો, તમારું ધન ડબલ થઈને જમીનમાંથી બહાર નીકળશે તેવી વાત કરી હતી. અગાઉ મૂર્તિ, સિક્કા નીકળતાં વૃદ્ધ ખેડૂતને આ ચમત્કાર લાગ્યો હતો અને આ ઠગબાજ ઉપર આંધળો વિશ્વાસ કર્યો હતો.

આ ઠગબાજે લક્ષ્મીજી તમારા ખેતરમાંથી બહાર આવવા પ્રયત્ન કરે છે. તમામ ધન દાટી દ્યો તેવું કહેતાં ફરિયાદીએ જૂના સમયના દાગીના જેમાં 40 ગ્રામની સોનાંની પોંચી, 40 ગ્રામનો હાર, 67 ગ્રામની નવ વીંટી, સો ગ્રામનું સોનાનું બિસ્કિટ, 15 ગ્રામની સોનાંની ચેન, 40 ગ્રામનું સોનાંનું મંગળસૂત્ર તથા દાડમ, મગફળી, એરંડાના પાકની થયેલ આવક રોકડ રૂૂા. 22,00,000 ડબ્બામાં ભરીને ખેતરે લઈ જઈને શેઢામાં દાટી દઈ ઉપર ઈંટ મૂકી હતી. દરમ્યાન આ શખ્સે અહીં સવાર-સાંજ અગરબત્તી કરવાનું કહ્યું હતું અને તા. 11/9ના ખોલવાનું કહ્યું હતું, જેથી આ તારીખે ફરિયાદીએ ઠગબાજને ફોન કરતાં તેણે ઉપાડયો ન હોતો, બાદમાં મોબાઈલ બંધ કરી નાખ્યો હતો.

ભોગ બનનારને શક જતાં શેઢામાંથી ડબ્બો કાઢતાં અંદરથી રૂૂા. 52,20,000ની આ મતા ગૂમ જણાઈ આવતાં ખેડૂત પર આભ તૂટી પડયો હતો. દરમ્યાન પિંગલેશ્વર આશ્રમ ખાતે તપાસ કરતાં આવો કોઈ મહંત ત્યાં ન હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદીએ ગતિવિધિ દરમ્યાન ઠગબાજ મહંતનો ફોટો પાડી લીધો હતો, જેના આધારે તપાસ કરાતાં આ શખ્સ વાદીનગર ભચાઉનો રમેશનાથ ધીરાનાથ વાદી હોવાનું બહાર આવ્યું હતું. દુધઈ પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement