ગાંધીધામની શિપિંગ કંપનીમાં ખર્ચ બતાવી 42.86 લાખની ઉચાપત
શહેરની એક શિપિંગ કંપનીમાં કામ કરનાર કર્મચારીએ ખર્ચ બતાવી વારંવાર એક જ વાઉચર આપી પોતાના તથા મિત્રના અને પોતાની માતાના બેંક ખાતામાં પૈસા જમા કરાવી રૂૂા. 42,86,084 ઉચાપત કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજારની માધવબાગ સોસાયટીમાં રહેનાર ફરિયાદી વિનય ધરમશી પરમાર તથા અંકિત દીપક મેથાણિયા ગાંધીધામમાં સેકટર-8 વિસ્તારમાં શ્રીદીપ શિપિંગ નામની પેઢી ભાગીદારીથી ચલાવે છે. આ કંપનીમાં જુનિયર ઇમ્પોર્ટ એકિઝકયુટિવ તરીકે હાર્દિક મધુ પ્રજાપતિ (રહે. સથવારા કોલોની) નામનો શખ્સ કામ કરતો હતો. કંપની ઇમ્પોર્ટ શિપમેન્ટના દસ્તાવજો શિપમેન્ટ કલીયરન્સ શિપમેન્ટ સહાયક શુલ્કનું કામ કરતી હોવાથી કસ્ટમ કલીયરન્સ કરતી વખતે બોન્ડની રકમ, વીમાની રકમ, સ્ટેમ્પ ડયુટી ભરવાની આવતી હતી, જે કામ આ આરોપી હાર્દિક સંભાળતો હતો.
આવા કામ માટે ખર્ચ કરી તેનું વાઉચર બનાવી કંપનીમાં જમા કરાવવાનું હતું. પરંતુ હાર્દિકે એક જ વાઉચર વારંવાર કંપનીમાં જમા કરાવી બાદમાં વાઉચર જમા કરાવી દેવાની વાત કરી ખર્ચ બતાવી કંપનીમાંથી પૈસા લેતો હતો. આ શખ્સે કંપનીમાંથી રૂૂા. 75,65,531 લીધા હતા, જેની સામે તેણે રૂા.32,79,447 ચૂકવી દીધા હતા. પરંતુ રૂૂા. 42,86,084નો હિસાબ આપતો ન હતો. આ રકમ પૈકી તેણે પોતાના ખાતામાં તથા પોતાના મિત્ર ઉપેન્દ્ર કુમાર મુસાફીર પાસવાન તથા માતા રેખાબેન મધુ પ્રજાપતિના ખાતામાં જમા કરાવી હતી. રૂા.42,86, 084ની ઉચાપતનો આ બનાવ ઓડિટ દરમ્યાન બહાર આવતાં આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.