પહેલગામ હુમલામાં સંડોવણીના નામે ડિજિટલ એરેસ્ટ કરી 17.44 લાખ પડાવ્યા
ભુજના સુખપુરના વૃધ્ધ સાયબર ગઠિયાઓની ચૂંગાલમાં ફસાયા
પોલીસ દ્વારા અવેરનેશ કાર્યક્રમો મારફતે ડીજીટલ અરેસ્ટના કિસ્સાઓથી બચવા ભલામણ કરવામાં આવી રહી છે તેવામાં ભુજના સુખ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધને પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવણી હોવાનું કહી સાયબર ગઠિયાઓએ પાંચ દિવસ સુધી ડીજીટલ અરેસ્ટ કરી રૂૂપિયા 17.44 લાખ પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રસિકલાલ સાકરચંદ શાહે બોર્ડર રેન્જ સાયબર પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ નંબરના ધારકો વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ 24 ઓગષ્ટના તેમને ફોન આવ્યો હતો અને જમ્મુ કશ્મીરના પહેલગામથી પોલીસ ઇન્સ્પેક્ટર રણજીત કુમાર બોલતા હોવાનું કહ્યું હતું.
જે બાદ આરોપીએ તેમનો મોબાઈલ નંબર અને આધારકાર્ડ પહેલગામના હુમલામાં પકડાયેલો હોવાનું કહ્યું હતું.આતંકવાદી સાથે કનેક્શન હોવાનું કહેતા ફરિયાદી ડરી ગયા હતા.જે બાદ આરોપીએ ફરિયાદીનો કેસ પુના એટીએસને ટ્રાન્સફર કરી ત્યાં હાજર થવા કહ્યું હતું. ત્યારબાદ અન્ય એક નંબર પરથી એટીએસના નામે ફોન આવ્યો અને તાત્કાલિક હાજર થવા કહ્યું પરંતુ ફરિયાદીએ પોતે વૃદ્ધ હોવાનું કહેતા આરોપીએ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું.ત્યારબાદ ફરિયાદીને ફોન કરી તમારા ખાતામાં 75 લાખ આવ્યા હોવાનું કહી બેંક ખાતાની વિગતો આપવા કહ્યુ હતું.
જે બાદ વિડીયો કોલ કરી ફરિયાદીને ડીજીટલ અરેસ્ટ કાર્ય હતા અને 25 ઓગષ્ટના એસબીઆઈ બેંક ખાતામાંથી આરોપીએ મોકલાવેલ ખાતા નંબર પર રૂૂપિયા 4.97 લાખ મોકલાવ્યા હતા. ત્યારબાદ 26 ઓગષ્ટના આરોપીએ પીએફ ખાતાની રકમ રેગ્યુલર ખાતામાં ટ્રાન્સફર કરાવી રૂૂપિયા 12.47 લાખ આરટીજીએસ કરાવી કુલ રૂૂપિયા 17.44 લાખ પડાવી લીધા હતા.આ મામલે ફરિયાદીએ પોતાના ભત્રીજાને વાત કરતા તેણે ઠગાઈ થઇ હોવાનું કહ્યું હતું જે બાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
24 ઓગષ્ટના આતંકવાદી હુમલામાં સંડોવણી ખુલી હોવાનું કહી ડરાવ્યા બાદ રૂૂપિયા પડાવવાનું શરૂૂ કર્યું હતું.જે બાદ રેગ્યુલર ખાતામાંથી અને પીએફની રકમ પડાવ્યા બાદ આરોપીઓએ શેર વેચી દઈ રૂૂપિયા આપવાનું કહ્યું હતું.જોકે સદનશીબે 28 ઓગષ્ટના બજાર બંધ હોવાથી શેરની રકમ બચી ગઈ હતી.
ડીજીટલ અરેસ્ટ કરેલા વૃદ્ધને આરોપીઓએ દર એક કલાકે મેસેજ મારફતે પોતે સલામત છે તેવો રીપોર્ટ કરાવ્યો હતો.જોકે 27 ઓગષ્ટના ધાર્મિક દિવસ હોવાનું વૃદ્ધે કહેતા એ દિવસે કોઈ ફોન કે મેસેજ કર્યો ન હતો.