અંજારમાં પોસ્ટર વિવાદના પગલે મધરાત્રે લોકોના ટોળા ઉમટયા, કોમી તંગદિલી
‘આઇ લઇ મહમ્મદ’ના પોસ્ટર ઉપર ‘જય શ્રી રામ’નું પોસ્ટર મારતા વિવાદ; પોલીસે માંડ મામલો થાળે પાડ્યો
કચ્છના અંજાર શહેરમાં એક વિવાદાસ્પદ ઘટનાને કારણે માહોલ તંગ બની ગયો હતો. શહેરમાં લાગેલા પઆઈ લવ મોહમ્મદથ લખેલા હોર્ડિંગ્સ પર અજાણ્યા શખ્સો દ્વારા જય શ્રી રામ લખેલું પોસ્ટર લગાવી દેવાતાં બે સમુદાયો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ એક જ સમાજના મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
મામલો એટલો ગરમાયો હતો કે મોટી સંખ્યામાં લોકો અંજાર પોલીસ સ્ટેશન બહાર એકત્રિત થઈ ગયા હતા અને હુમલો કરનાર શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
પોલીસ સ્ટેશન બહાર લોકોના ટોળા એકઠા થતાં પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂૂ કર્યા હતા. પોલીસે ઉશ્કેરાયેલા લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને સમગ્ર મામલે યોગ્ય તપાસ હાથ ધરવાની તેમજ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
પોલીસ અધિકારીઓની સમજાવટ અને કાયદેસરની કાર્યવાહીની ખાતરી બાદ આખરે મામલો થાળે પડ્યો હતો. પોલીસે શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે અને વિવાદાસ્પદ પોસ્ટર લગાવનાર શખ્સોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.