મુંદ્રાના નાના કપાયા રોડ પર બોલેરોની ઠોકરે દંપતીનું મોત
રોંગ સાઇડમાં પુરઝડપે આવતી બોલેરોની ટક્કરથી બાઇક દિવાલ સાથે અથડાઇ
મુન્દ્રા પંથકના ઔદ્યોગિક વિકાસ બાદ અકસ્માતનો સિલસિલો અવિરત જારી રહેતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, શુક્રવારે સાંજના સમયે ઔદ્યોગિક પરા સમાન નાના કપાયા રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં પુરપાટ વેગે આવતી બોલેરોની હડફેટે ચડેલ બાઈક સવાર દંપતી ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા તેમજ રાહદારી મહિલા પણ ઈજાગ્રસ્ત થતા સારવાર તળે ખસેડવામાં આવ્યા છે.
શુક્રવારે સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ નાના કપાયા સ્થિત જિંદાલ સો પાઇપ એકમ તરફના માર્ગે બોલેરો ચાલકે સામેથી આવતી બાઈકને ધડાકાભેર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.જેમાં બાઈક પર સવાર હરિસિંહ પ્રતાપ નિનામા (ઉ. વ 50)અને તેમના પત્ની કમળાબેન (ઉ. વ. 45 બંને રહે હાલ ક્રિષ્ના નગર-નાના કપાયા મુળ પંચમહાલ)નું ગંભીર ઈજાઓથી ઘટના સ્થળે મોત થયું હતું.
સ્થાનિકેથી મળેલી વિગતો મુજબ રોંગ સાઈડમાં ઘસમસ્તા આવતા બોલેરો ચલાકે બાઈકને એટલી જોરથી ટક્કર મારી હતી કે તે સામે આવેલ દિવાલમાં ભટકાઈ હતી.જયારે દંપતી હવામાં ફંગોડાયું હતું. જયારે બીજી તરફ સાઈડમાંથી પગપાળા જઈ રહેલા નાના કપાયાના 48 વર્ષીય ક્રિષ્નાબેન રણભાન નામક મહિલા પણ અકસ્માતમાં ભોગ બન્યા હતા.જેમને પ્રાથમિક ધોરણે સ્થાનિક સીએચસી બાદ વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયા હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે મુન્દ્રા પોલીસે સ્થળ પર દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.