આદિપુરમાં બે જૂથ વચ્ચે ધીંગાણું: વાહનોમાં તોડફોડ, ગાડી સળગાવાઇ
આદિપુરના જુમાપીર ફાટક નજીક બે વાહન ભટકાયા બાદ થાર ગાડીમાં આગ ચાંપી દેવામાં આવી હતી, તો સામા પક્ષે પિતા-પુત્રને ઈજાઓ થતાં તેમને સારવાર માટે લઈ જવાયા હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. આદિપુરના જુમાપીર ફાટક નજીક આજે ઢળતી બપોરે મારામારીનો આ બનાવ બન્યો હતો. એક જ સમાજના બે જૂથની ગાડી સામસામે ભટકાઈ હતી, જેમાં મારામારીના દૃશ્યો સર્જાયાં હતાં.
થોડીવારમાં થાર ગાડીમાં આગ લગાડાઈ હોવાનું જાણવા મળ્યું હતું. મારામારીના આ બનાવમાં દિલુભા ગઢવી અને મીત ગઢવી નામના પિતા-પુત્રને ઈજાઓ થતાં બંનેને આદિપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હોવાનું આદિપુર પોલીસ મથકેથી જાણવા મળ્યું હતું. થાર ગાડીમાં આગ લાગ્યા બાદ તેમાં ધડાકો થતાં અહીંથી પસાર થતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા. મારામારીનાં દૃશ્યો સર્જાતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો હતો. બનાવ અંગે પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.