અંજારમાં CISF જવાનના પિતાની હત્યા બુકાનીધારીએ નહીં રૂમ પાર્ટનરે કરી હોવાનું ખુલ્યું
આધેડ રૂમમાં સાફસફાઇ જાળવતો ના હોય જેથી રૂમ પાર્ટનરે જ ઢીમ ઢાળી, બુકાનીધારીએ હુમલો કર્યાની ખોટી સ્ટોરી ઘડી હતી
અંજારના વરસામેડીમાં અરિહંત નગર વિસ્તારમાં શંભુરામ રામઆશિષ રામ નામના આધેડની હત્યા તેના રૂૂમ પાર્ટનરે જ કરી હોવાનું બહાર આવતાં પોલીસે આ શખ્સની ધરપકડ કરી હતી. વરસામેડીના અરિહંત નગર (ચૌધરી કોલોની)માં રહી વેલસ્પન કંપનીના બગીચામાં સારસંભાળનું કામ કરનાર શંભુરામ નામના યુવાનની બે દિવસ પહેલાં હત્યા થઇ હતી, તેના રૂૂમ પાર્ટનર ટુનટુન પ્રસાદે કોઇ અજાણ્યા બુકાનીધારી શખ્સે પથ્થર જેવા પદાર્થ વડે હુમલો કરી આધેડ ઉપર હુમલો કર્યો છે તેમ કહી આધેડને હોસ્પિટલ લઇ જવાનો ડોળ કર્યો હતો. આધેડને ભુજ લઇ જવાયા બાદ તેમને મૃત જાહેર કરાયા હતા. બનાવ અંગે પોલીસે અજાણ્યા બુકાનીધારી શખ્સે કોઇ કારણોસર આધેડની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધી હતી.
ગંભીર એવા હત્યાના આ બનાવમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી આસપાસની ઓરડીઓમાં રહેતા લોકોની સઘન પૂછપરછ હાથ ધરી હતી. તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ વગેરે પણ તપાસ્યા હતા. દરમ્યાન ટુનટુન ચંદ્રમા કુશ્વાહ નામનો રૂૂમ પાર્ટર શંકાસ્પદ જણાયો હતો.
તેની યુકિત પ્રયુક્તિથી કડક રીતે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ શખ્સ ભાંગી પડયો હતો અને પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત આપી હતી. ટુનટુન નામનો શખ્સ સમય ઉપર જમવાનું ન બનાવે કે રાત્રે મોડો આવે અથવા રૂૂમમાં સાફસફાઇ ન જાળવે ત્યારે શંભુરામ તેના પર ગુસ્સે થતો હતો અને ક્યારેક માર પણ મારતો હતો જે વાતની ખુન્નસ રાખીને બનાવની રાત્રે શંભુરામ સૂતો હતો ત્યારે તેણે પથ્થર ઉપાડી તેના કપાળમાં ઝીંકી દીધો હતો, જેમાં તેનું મોત થયું હતું. ટુનટુનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું પી.આઇ. એ. આર. ગોહિલે જણાવ્યું હતું.