ભચાઉ નજીક કાર પલટી મારી ગઇ, રાજકોટના ચાલકનું મોત
કચ્છ-મોરબી ધોરીમાર્ગ પરના કટારીયા પાટિયા પાસે બે દિવસ પૂર્વ ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થઈ હતી. જેથી ટ્રેક્ટરની ટ્રોલીમાં સવાર ત્રણ વ્યક્તિઓના મોતની ઘટના તાજી છે ત્યાં ગુરુવાર સાંજે ફરી એજ માર્ગ પર વાહન અકસ્માતની ઘટના સર્જાતા કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું છે. ત્રણ દિવસના ટૂંકા ગાળામાં અમુક અંતરના માર્ગે રસ્તાને રક્તરંજીત કરતી બે-બે ઘટનાથી અરેરાટી ફેલાઈ છે. અકસ્માતની ઘટના અંગે સામખિયાળી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે સામખિયાળી પોલીસ મથકના કોન્સ્ટેબલ ભાવેશ આહીરનો સંપર્ક સાધતા તેમણે પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે ગુરુવાર સાંજે 4.30 વાગ્યાની આસપાસના અરસામાં રાજકોટ તરફ જતી કાર નંબર જીજે03 જેએલ 9354 કોઈપણ કારણે ડિવાઈડર સાથે અથડાઈને બેત્રણ પલટી મારી ગઈ હતી.
ઘટનામાં રાજકોટના કાર ચાલક મૌલિક ઘનશ્યામભાઇ ત્રિવેદીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને હાલ પીએમ માટે લાકડીયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે. મૃતક ગાંધીધામથી કાર લઇ રાજકોટ તરફ જઇ રહ્યો હતો. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.