કચ્છના તેરા ગામે બીએસએફમાં ફરજ બજાવતી યુવતીનો આપઘાત
અબડાસા તાલુકાના તેરા ગામમાં રહેતા અને અગાઉ ભુજ બીએસએફમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા જવાને કોઈ કારણોસર પોતાના ઘરે જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટનાથી પરિવાર સહીત આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ભોગ બનનનાર મહિલાએ હાલ મેડિકલ કરણથી પેન્શન લીવ પર ઘરે ગયા બાદ ફાંસો ખાઈ લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ સિંધોડી ગામના અને તેરા રહેતા 27 વર્ષીય સેજલબેન રામભાઈ ગઢવીએ રવિવારે આત્મઘાતી પગલું ભરી લીધું હતું.બનાવ બપોરે અઢી વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં હતભાગીએ પોતાના ઘરે જ છતના પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો.સમગ્ર મામલે તપાસ કરતા નલિયા પોલીસ મથકના પીઆઈ વી.એમ.ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,હતભાગી ભુજ બીએસએફની 59-બટાલિયનમાં ફરજ બજાવતા હતા.ગત ડીસેમ્બર 2024 થી તેઓ મેડીકલ રજા પર ઘરે આવેલા હતા.તેમની બટાલિયન થોડા દિવસ પહેલા જ ભુજથી પંજાબ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
દરમિયાન કોઈ કારણોસર રવિવારે મહિલા જવાને આત્મઘાતી પગલું ભરી લીધું હતું.આ મામલે પોલીસે ભુજ બીએસએફ ખાતે પણ જાણ કરી દીધી છે.જોકે આપઘાતનું કારણ હજુસુધી સામે આવ્યું નથી.હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ આદરી છે.બીએસએફમાં ફરજ બજાવતા મહિલાએ આપઘાત કરી લેતા પરિવાર સહીત નાનકડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હતભાગી પોલીસ ભરતીની પરીક્ષાની પણ તૈયારી કરતા હતા.