મુન્દ્રામાં ગળામાં દુપટ્ટો બાંધેલી હાલતમાં યુવતીની લાશ મળી: હત્યા કરાયાની શંકા
મુન્દ્રાના શક્તિનગર નજીક શુભમ પેટ્રોલ પંપની પછીતમાં વહેલી સવારે અત્યંત વિકૃત હાલતમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં અરેરાટી ફેલાઈ હતી.
બનાવના પગલે આસપાસના નાગરિકોએ પોલીસને જાણ કરતા કાફલો સ્થળ પર ઘસી ગયો હતો.અને પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાનો બનાવ હોવાની આશંકા જતાં પરપ્રાંતીય લાગતી મહિલાના દેહને એફએસએલ માટે રવાના કર્યો હતો.
પીએસઆઈ વી.એન.ચાવડાએ જણાવ્યું કે, અંદાજિત પચીસ વર્ષની ઉંમરની અજાણી મૃતક મહિલાએ ગુલાબી કલરનો કોટનનો ડ્રેસ પહેરેલ છે,અને તેમાં દિલ આકારની ડિઝાઇન હોવા ઉપરાંત ગળામાં કાળા કલરનો દુપટો તેમજ હાથ અને પગમાં ગુલાબી રંગની નેલપોલિશ કરી હોવા પર પ્રકાશ પાડી ખાસ તો હાથના પાછળના ભાગે કાંડા અને કોણી વચ્ચે જ્યોતિ નામ ત્રોફાવ્યું હોવાનું જણાવ્યું હતું.
તેમજ જમણા હાથમાં ફુલ જેવા છુન્દણાં સાથે દિલ જેવા આકાર સાથે અંગ્રેજીમાં લવ તથા એસનું નિશાન વધારામાં ડાબા હાથની આંગળીમાં દિલ આકારની કે જે લખાવેલી ધાતુની વીંટી સાથે પંજાની બાજુમાં અંગ્રેજીમાં કનૈયા લખાવ્યું હોવા અંગે માહિતગાર કર્યા હતા.
વિશેષમાં પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ પ્રકરણમાં ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું લાગતા બનાવમાં પ્રાથમિક ધોરણે પોલીસે મહિલાના ફોટા સોશ્યલ મીડિયામાં વહેતા કરી તેની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.