કચ્છના રાપરમાં ગુમ થયેલી બે કિશોરીની તળાવમાંથી લાશો મળી
બંન્ને બાળકીના મોતથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો
રાપર તાલુકાના જાટાવાડા ગામે તળાવમાં ડૂબી જવાથી કોળી પરિવારની બે બાળકીઓના મોત થયા છે. આ ઘટના ગઈકાલે બની હતી, જેમાં 14 વર્ષીય દયાબેન નાગાજી કોળી અને 15 વર્ષીય આરતી રાણાભાઈ કોળીનો સમાવેશ થાય છે.
જાટાવાડા ગામની સીમમાં આવેલા તળાવના પાણીમાં આ બંને બાળકીઓ અકસ્માતે પડી ગઈ હતી. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ શરૂૂ કરવામાં આવી હતી. ગ્રામજનોએ આ અંગે તલાટીને જાણ કરી હતી. તલાટીએ રાપર તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા અને વિકાસ અધિકારી ખોડુભા વાઘેલાને પત્ર દ્વારા જાણ કરી હતી.
આ ઘટનાની જાણ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, રાપર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી અને ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડને પણ કરવામાં આવી હતી. ત્યારબાદ રાપર અને ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને કેમેરા સાથે ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. રાપર તાલુકા મામલતદાર દ્વારા પણ સ્થળ પર ટીમ મોકલી સતત પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
કેમેરાની મદદથી બંને બાળકીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે, અને આ ઘટનાથી વાગડ વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે.