હત્યાના પ્રયાસમાં કોન્સ્ટેબલ નીતા ચૌધરીના જામીન રદ, ધરપકડ કરાશે
કચ્છના ભચાઉમાં 30 જૂનના પોલીસે કુખ્યાત બુટલેગરને પકડવા માટે થાર કારને રોકવાનો પ્રયાસ કરતા થાર પોલીસ પર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે થાર કાર રોકી તલાશી લેતા કારમાંથી બુટલેગર સાથે સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ અને દારૂૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જેમાં બુટલેગરના રિમાન્ડ મંજૂર થયા હતા. પરંતુ, લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ભચાઉની નીચલી અદાલતે સ્ત્રી હોવા સહિતના મુદ્દે જામીન મંજૂર કર્યા હતા. આ આદેશ સામે પોલીસે ભચાઉની સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેની ગઈકાલે થયેલી સુનાવણી બાદ આજે લેડી કોન્સ્ટેબલને પહેલાં મળેલા જામીન રદ કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. આદેશના પગલે હવે ફરી લેડી કોન્સ્ટેબલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવશે.
આ મામલે અધિક જિલ્લા સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે વિગતો આપતાં જણાવ્યું હતું કે ભચાઉના ચોપડવા નજીક પોલીસ ઉપર કાર ચડાવી હત્યાના પ્રયાસ કેસમાં સામેલ બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીએ ભચાઉ કોર્ટમાં જામીન અરજી કરતા તે મંજૂર થઈ હતી. આ જામીન સામે વાંધો લઈ ફરિયાદી પક્ષ તરફથી ભચાઉની સેસન્સ કોર્ટમાં અરજી રજૂ કરાઈ હતી. જેની ગઈકાલે સુનાવણી થયા બાદ આજે તેના પર ન્યાયાધીશ તિવારીએ ચુકાદો આપ્યો હતો અને નીતા ચૌધરીને આ પૂર્વે મળેલા જામીન રદ કર્યા હતા. આ મામલે હાલ જામીનમુક્ત સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલની પોલીસ દ્વારા ફરી અટકાયત કરવામાં આવશે. કોર્ટ કાર્યવાહી દરમિયાન મૂળ ફરિયાદી ભચાઉ પોલીસના વકીલ હિતેન્દ્રસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા.