કચ્છમાં ન્યુમોનિયાથી 13 મોત બાદ તંત્રમાં દોડધામ
આરોગ્ય વિભાગ દ્વારા નિષ્ણાતોની ટીમ મોકલાઇ, રાજકોટથી પણ તબીબો દોડાવાયા
કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવએ કહેર મચાવ્યો છે. છેલ્લા 4 દિવસમાં ન્યુમોનિયાના કારણે 13 લોકોના મોત થયા છે. ત્યારે ન્યુમોનિયા તાવના લીધે 13 લોકોના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિદ્રાધીન બન્યું છે.
લખપતના બેખડા, સાંધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં ન્યુમોનિયાના કારણે મોત થયા છે. ત્યારે મોતના વધતા આંકડા વચ્ચે આરોગ્ય તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે. પાન્ધ્રો જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને પરિસ્થિતિ અંગે જાણ કરી છે અને પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે માગ કરી છે.
કચ્છના લખપત તાલુકાના ગામોમાં તાવના કારણે છેલ્લા 4 દિવસમાં 12 લોકોના મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. જેના પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જ્યાં મોતના બનાવો બન્યા છે ત્યાં મૃતકોના પરિવારજનોના સેમ્પલ લેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે. આ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છેકે, આરોગ્ય વિભાગ દ્વારા નિષ્ણાંતોની ટીમો મોકલવામાં આવી છે.
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છેકે, કચ્છના લખપત અને અબડાસામાં છેલ્લા 4 દિવસમાં લગભગ 12 જેટલા મૃત્યું નોંધાયા છે. મૃત્યુના કારણ જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા, રાજકોટ પીડીયુ અને અદાણી કોલેજમાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે. જેમાં મીડીસીન પીએસએમ, માઇક્રો બોયોલોજી, બાળરોગ નિષ્ણાંત વગેરેને નિષ્ણાંતોની ટીમ જઇને ત્યાં સમગ્ર સર્વેલન્સ કરીને ત્યાંની માહિતી મોકલીને આ બાબતે મૃત્યુ થવાના કારણો જાણીને એ રિપોર્ટ રાજ્ય સરકારને બે દિવસમાં મોકલશે.
આ ટીમ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવશે. તેમાંથી કારણો જાણવા મળશે કે અચાનક આ 4 દિવસમાં 12 લોકોના મોત કેમ નોંધાયા છે. એ જાણીને જરૂૂરી આવશ્યક પગલા આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવશે. આગામી સમયમાં એ પ્રકારના મૃત્યુ ન નોંધાય અને એ પ્રકારના લક્ષણો ન દેખાય એ માટે રાજ્ય સરકાર ત્વરિત કામગીરી કરશે અને આરોગ્ય વિભાગ માહિતી લઇને જરૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં એ બાબતોની કામગીરી કરશે.