કચ્છના માનકુવા અને મોરગર માર્ગ પર અકસ્માત: ચારનાં મોત
કચ્છમાં ઝડપી વિકાસની સાથોસાથ માર્ગો પર વાહનોની સંખ્યા પણ વધી છે અને તેને લઇ અકસ્માતના બનાવોમાં પણ ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. ગઇકાલે ધાણેટી અને રાપરમાં સર્જાયેલા અકસ્માતોમાં બેના જીવ ગયા હતા, ત્યારે આજે ફરી માનકૂવા અને મોરગરનો માર્ગ રક્તરંજિત થતાં ચાર મોત સાથે આઠ ઘાયલ થયા છે. સામત્રાથી પ્રવાસીઓ ભરી ભુજ આવતા છકડાને આજે સવારે માનકૂવા પાસે પાછળથી પૂરપાટ આવેલા ટેમ્પાએ ટક્કર મારતાં નાગિયારીના 51 વર્ષીય આધેડ અદ્રેમાન સાલેમામદ બાફણ અને છકડાચાલક નખત્રાણાના 27 વર્ષીય યુવાન વિશાલ હંસરાજ વાળંદનું ગંભીર ઇજાનાં પગલે મૃત્યુ નીપજ્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં અન્ય સાત લોકોને નાની-મોટી ઇજા પહોંચી છે.
બીજી તરફ ભચાઉ તાલુકાના મોરગર પાસે અજાણ્યા વાહનની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ગુરુસેવક બન્નાસિંગ જત (શીખ) (ઉ.વ.30) તથા ગુરુવીરેન્દ્રસિંગ જગાસિંગ રામદાશિયા (શીખ) (ઉ.વ.19)નું મૃત્યુ થયું હતું. આ બનાવમાં વધુ એક યુવાનને ઈજા પહોંચી હતી. આજે સવારે સામત્રાથી પ્રવાસીઓને લઇ જતો છકડો માનકૂવા પાસે પહોંચતાં પાછળથી પૂરપાટ આવતા ટેમ્પાએ તેને ટક્કર મારી હતી. આથી છકડામાં સવાર નવ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિકો તથા પોલીસની મદદથી ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ઇજા પામનાર બે વ્યક્તિ નાગિયારીના અદ્રેમાન સાલેમામદ બાફણ (ઉ.વ. 51) ને નખત્રાણાના વિશાલ હંસરાજ વાળંદ (ઉ.વ. 27)નું ગંભીર ઇજાથી મૃત્યુ થયું હતું. બપોરે સર્જાયેલા અકસ્માત બાદ માનકૂવા પોલીસે અકસ્માત સર્જનાર વાહનને કબજે લઇ બનાવ સંદર્ભે તપાસ આરંભી હતી. ઘાયલોમાં સીમા પ્રવીણ ગોરસિયા, હવાબાઇ શકીલ ગજણ, આમિર સકીલ ગજણ, શરીફાબાઈ મામદ પઢિયાર, આફિયા જુણસ ભુકેરા, લાલજી ભગુ જોગી, જશુબેન દેવજી વરસાણીનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોમાં સૌથી વધુ નાગિયારી ગામના લોકો છે.
બીજી તરફ મોરગર નજીક નેશનલ હોટેલ પાસે ગઈકાલે રાત્રે 12થી 1 વાગ્યાના અરસામાં અકસ્માતનો આ બનાવ બન્યો હતો. મૂળ પંજાબના વતની ત્રણેય યુવાન મોટર સાઈકલ લઈને જઈ રહ્યા હતા, તે વેળાએ અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને યુવાનનાં બનાવ સ્થળે મૃત્યુ થયાં હતાં.
આ વેળાએ બાઈકમાં સવાર વીરેન્દ્રસિંગ કોમલસિંગ શીખ (ઉ.વ.30)ને ઈજા પહોંચતાં તેમને વધુ સારવાર અર્થે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં મોકલાયા હતા. આ ત્રણેય યુવાન થોડા દિવસો પહેલાં પંજાબના ભટિંડાથી અહીં આવ્યા હતા. આ યુવાનો હોટેલનાં કામ સાથે સંકળાયેલા હોવાનુ પોલીસે ઉમેર્યું હતું. આ બનાવ અંગે પોલીસે વધુ છાનબીન આરંભી છે.