કચ્છના દયાપર નજીક ટ્રેઈલરે બાઈકને ઉલાળતા અબડાસાના માતા-પુત્રના મોત
બન્ને દયાપર ખાતે પરિવારમાં લગ્ન પ્રસંગે ગયા હતાં : પરિવારમાં શોક
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરથી 1 કિ.મી. દૂર દોલતપર-દયાપર હાઇવે પર આજે દ્વિચક્રી વાહન અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત થતાં અબડાસા તાલુકાના ત્રંબૌ રહેતા જ્યોતિબેન અરવિંદભાઇ સોધમ (ઉ.વ. 42) અને દેવજી ઉર્ફે અજિત અરવિંદભાઇ સોધમ (ઉ.વ. 21) બંનેનાં સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. દયાપર પોલીસ સ્ટેશનના એસ.પી.ઓ. જીવાભાઇ પટેલે આ કરુણ ઘટનાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, બાઇક નંબર જીજે-12-એચએફ-0452 અને ટ્રેઇલર નં. જીજે-39-ટી-9912 વચ્ચે દયાપર-દોલતપર હાઇવે પર કમલેશ્વર મહાદેવ મંદિર નર્સરીવાળા વળાંક પર ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જેમાં જ્યોતિબેન (ઉ.વ. 42) અને તેમના પુત્ર દેવજી (અજિત) (ઉ.વ. 21)નાં સ્થળ પર કરુણ મોત નીપજ્યાં હતાં. પૂરઝડપે જઇ રહેલા ટ્રેઇલરે માતા અને પુત્રને હડફેટે લીધાં હતાં. દયાપર ખાતે પરિવારમાં લગ્નપ્રસંગ હોઇ માતા-પુત્ર બાઇકથી અહીં આવ્યાં હતાં. બપોરે લગ્નપ્રસંગ પૂર્ણ થતાં તેઓ ત્રંબૌ જવા નીકળ્યા હતા, જ્યાં એક કિ.મી.નું અંતર કાપ્યા પછી અકસ્માતનો ભોગ બનતાં ગમગીની છવાઇ હતી. એક જ પરિવારમાં બે મૃત્યુ થતાં દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ મોર્ટમ માટે લઇ જતાં પરિવારના સભ્યો મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયા હતા. મહિલાઓએ દવાખાનામાં રૂૂદન કરતાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. આ બાબતે દયાપર પોલીસ તપાસ કરી રહી છે.