રાપરના નવા ત્રંબૌ ગામે યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યા
હત્યા પાછળનું કારણ જાણવા તજવીજ
હજુ થોડાક દિવસો પહેલા જ રાપર તાલુકાના ધાડધ્રો ગામના યુવાનની તેના કોટુંબિક કાકાએ અંજારના ટપ્પર ગામે હત્યા કરીને ત્રંબૌ રોડ ઉપર ફેંકી ગયા હતા હજુ એ મર્ડરની સાહી સુકાઈ નથી તેવામાં સોમવારે રાતના ત્રંબૌ ગામના ધનસુખ ડોડીયા નામના યુવાનની નવા ત્રંબૌ ગામની બહાર રોડ ઉપર હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર ફેલાઇ હતી.
જેને રાપર સહયોગ આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો મરણ જનારને આંખ અને મોઢાના ભાગે તીક્ષણ હથિયારથી માર માર્યાનું દેખાઈ આવ્યું હતું. યુવાનની હત્યા નીપજાવાઇ હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો.
જોકે હત્યા કોણે કરી અને શેના માટે કરી તે હજુ સુધી જાણી શકાયું નહોતું બનાવની જાણ થતા રાપર પોલીસનો કાફલો રાપર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ધસી આવ્યો હતો. અને તપાસ હાથ ધરી હતી. રાપરમાં થોડાક દિવસોમાં જ બીજી હત્યાનો બનાવ સામે આવતા મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થયું હતું
પરિવારજનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ એકત્ર થતા પોલીસના ધાડે ધાડા ગોઠવાઈ ગયા હતા. હાલ રાપર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવથી અરેરાટી ફેલાઇ હતી.